બારડોલી તાલુકાનાં વરાડ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણને લઈને હોબાળો મચી ગયો હતો. કોવિન પોર્ટલ પર એક સાથે કોવિડશિલ્ડ અને કોવેક્સિન બંનેના સ્લોટ ઓપન કરી દેવાયા હતા. પરંતુ કોવિડશિલ્ડનો સ્લોટ નહીં આવતા PHC પર વેક્સિન લેવા પહોંચેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો અને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જવાબદાર મેડિકલ ઓફિસર પણ સ્થળ પર હાજર ન હોય વાતાવરણ ગરમાયું હતું.
મળતી માહિતી અનુસાર, કોવિન પોર્ટલ પર વરાડ PHCમાં કોવિડશિલ્ડ અને કોવેક્સિનના 200–200 જેટલા સ્લોટ મૂકવામાં આવ્યા હતા. જેનું ગતરાતથી બુકિંગ શરૂ થયું હતું અને સવાર સુધી બુકિંગ ચાલુ રહ્યું હતું. દરમિયાન ફાળવેલા સમય મુજબ જ્યારે લાભાર્થીઓ વેક્સિન લેવામાં માટે આવ્યા હતા. પરંતુ કોવિડશિલ્ડનો જથ્થો આવ્યો નહીં હોય અને કોવેક્સિન વાળાને રસી મૂકવાનું શરૂ કરતાં મામલો ગરમાયો હતો.
કોવિડશિલ્ડનો જથ્થો નહીં હોય દૂર-દૂરથી આવેલા લોકોને ધક્કો ખાવો પડ્યો હતો. લોકોના હોબાળાને કારણે થોડી વાર માટે રસીકરણ બંધ કરવાની ફરજ પડી હતી. એક સાથે 400થી વધુ લોકો એકત્રિત થઈ જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ સાંજે કોવિડશિલ્ડનો જથ્થો આવી જતાં ફરીથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે હોબાળો થતાં જ સ્થળ પરથી મેડિકલ ઓફિસર રવાના થઈ ગયા હતા. ફોન કરવા છતાં ફોન રિસીવ કર્યો ન હતો. આ મામલે બારડોલી તાલુકા આરોગ્ય અધિકારી પંકજ ફણસિયાને પૂછતાં તેમણે આ મામલે વિગતવાર માહિતી ન હોવાનું જણાવ્યુ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500