સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આજના આધુનિક યુગમાં પણ લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખીને પોતાના જીવને જોખમમાં મુકી દેતા હોય છે. સુરતના મોરા ગામ વિસ્તારમાં રહેતી ૩૮ વર્ષીય મહિલાના પેટમાં ગાંઠ હતી. જ્યારે તે મહિલા તબીબના સંપર્કમાં આવી ત્યારે તેને જોતા એવું લાગી રહ્યું હતું કે, તેને નવ માસનો ગર્ભ છે. પરંતુ તબીબ પણ જોઇને ચોંકી ઉઠયા કે ગર્ભાશયમાં ફાયબ્રોડની ગાંઠ ડિજનરેશન થયું છે.
તબીબે જ્યારે સોનોગ્રાફી કરી ત્યારે જોયું કે મહિલના પેટમાં ખૂબ મોટી ગાંઠ છે ત્યારે તેણે પૂછ્યું કે અત્યાર સુધી કયા ડોક્ટર પાસે સારવાર લીધી હતી. તો તે મહિલા જવાબ આપવાનો સતત ટાળ્યું હતું. મહિલા તબીબને શંકા ગઇ કે કોઇક વાતને કારણે દર્દી બોલવા તૈયાર થઇ નથી. દર્દીને વિશ્વાસમાં લીધા બાદ મહિલાને પૂછ્યું તો તેણે આશ્ચર્યજનક વાતો ડોક્ટરને કરી હતી. મહિલા દર્દીએ કહ્યું કે મારા પેટમાં સતત દુખાવો ઘણા સમયથી થઇ રહ્યો હતો. પણ મને ડોક્ટરો પાસે ઓપરેશન કરાવવાનો ડર લાગતો હતો. તેથી જાણીતા એક ભૂવા પાસેથી મંત્રેલું પાણી લઇ આવતા અને તે હું પીતી હતી અને સમયાંતરે તેની પાસે પીંછી ફેરવાવતી હતી અને મંત્રેલું પાણી પીવાથી ગાંઠ ઓગળી જશે એવો મને વિશ્વાસ હતો. પરંતુ દિવસે ને દિવસે એ ખૂબ મોટી થતી ગઇ અને મને રક્તસ્ત્રાવ પણ ખૂબ વધુ થવા લાગ્યો હતો.
મહિલાના પેટમાં ૪.૯૦૦ કિલોની ગાંઠના કારણે ઝડપથી તેનું ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ હતી. ગાંઠ પેશાબની થેલી સાથે ચોટી ગઇ હતી અને લોહીની નળીઓ પણ ખૂબ મોટી થઇ ગઇ હતી. મુશ્કેલી ઍ હતી કે મહિલાનું બ્લડ ગ્રુપ પણ નેગેટીવ હતું. તેથી ઍન્ડોસ્કોપીની મદદથી ઓપરેશન કરવાને બદલે લેપરોટોમી સર્જરી કરીને ગાંઠને બહાર કાઢી હતી. બ્લડ ગ્રૂપ નેગેટિવ હોવાથી માત્ર ઍક જ બોટલ બ્લડની મળી હતી. સર્જરી કરવામાં વિલંબ થાય તેવી સ્થિતિ ન હતી.
લવ ઍન્ડ કેર હોસ્પિટલના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો.દીપતી પટેલે જણાવ્યું કે, આજના આધુનિક યુગમાં પણ મહિલાઓ અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખીને પોતાનો જીવ જોખમમાં મૂકે છે. પેટમાં ચાર કિલો કરતાં પણ મોટી ગાંઠને મંત્રેલું પાણીથી ઉતારવાની માનસિકતાને કારણે પોતાનો જીવ જોખમમાં મુકાયો હતો. મહિલાઓઍ અને તેના પરિવારના લોકોઍ પણ ખૂબ જાગૃત થવાની જરૂર છે અંધવિશ્વાસમાં રચીને પોતાનો જીવ મુશ્કેલીમાં મૂકવો જોઇઍ નહીં. કોઇપણ શારીરિક તકલીફ હોય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે. આ મહિલાને પણ અમે સમય વેડફયા વગર તાત્કાલિક તેના પેટમાંથી ગાંઠ કાઢી છે અને અત્યારે તે સ્વસ્થ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500