સુરત શહેરના ઓલપાડમાં રહેતા ખેડુતની રાંદેર રોડ રૂષભ ચાર રસ્તા પાસે આવેલી દુકાન ભાડુઆત પાસેથી ખાલી કરાવી આપવાનું કહી રિયલ એસ્ટેટના બ્રોકરે સાગરીત સાથે મળી દુકાન ખાલી કરાવી આપ્યા બાદ દુકાન પોતે ભાડે રાખવાની હોવાનુ કહી દુકાનના ગુમાસ્તાધારાનું લાયસન્સ બનાવાને બહાને અંગ્રેજીમાં પાવર ઓફ એટર્ની લખાવી દુકાન પોતાના નામે કરી છેતરપિંડી કરી હતી.
રાંદેર પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, ઓલપાડના કુવદ સરસ સડક ફળિયું ખાતે રહેતા કાનજી લક્ષ્મણ પટેલ (ઉ.વ.69) ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કાનજીભાઈએ તેની રાંદેર રોડ રૂષભ ચાર પાસે સંગીની મેગ્નેશ બિલ્ડીંગમાં આવેલી દુકાન સુમિત્રાબેન કાંતીલાલ રાઠોડ (રહે.જલારામ એપાર્ટમેન્ટ અમરોલી)ને ભાડેથી આપી હતી અને આ દુકાન ખાલી કરવા માટે કહેતા સુમિત્રાબેને દુકાનમાં રિનોવેશન પાછળ કરેલ ખર્ચાના રૂપિયા 1.50 લાખની માંગણી કરી હતી. દરમિયાન કાનજીભાઈએ તેની દુકાનની બાજુમાં રિયલ એસ્ટેટની ઓફિસ ધરાવતા અશરફખાન અશરફખાન રસુલખાન પઠાણ (રહે.સનસીટી ભાણકી સ્ટે઼ડીયમની પાસે મોરાભાગળ)ને વાત કરતા તેએ સુમિત્રાબેન સાથે સારા સંબંધ છે તમારુ સમાધાન કરાવી દુકાન ખાલી કરાવી આપવાનું કહી રૂપિયા 1.50 લાખ લીધા હતા.
જોકે ત્યારબાદ અશરફખાને દુકાનની ચાવી આપી ન હતી અને પોતે તેના રેતી કપચીનો ધંધો કરતા ભદ્રેશ તુલસી ભગત (રહે.સુડા આવાસ પાલ) સાથે ભાડેથી રાખવાની છે કહી દુકાનનુ ગુમાસ્તાધારાનું લાયસન્સ બનાવાને બહાને અંગ્રેજીમાં પાવર ઓફ એટર્ની લખી લીધી હતી અને તેના આધારે ભદ્રેશના નામે દુકાનનો વેચાણ દસ્તાવેજ બનાવી પચાવી પાડી હતી. આ ઉપરાંત અશરફખાને દુકાન ખાલી કરાવી આપવાને બહાને લીધેલા રૂપિયા 1.50 લાખ પણ પોતાના અંગત કામે વાપરી નાંખ્યા હતા. કાનજીભાઈને તેની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા બંને સામે ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500