સુરતના મોટાવરાછાની નીચલી કોલોનીમાં ભાડેની રૂમમાં રહેતા અને કાજુ-બદામનો ધંધો કરતા છત્તીસગઢના વૃધ્ધની ગળે ટૂંપો આપી હત્યા થયેલી માત્ર આંતરવસ્ત્રો પહેરેલી અને હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવતા અમરોલી પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની આશંકા જણાઈ રહી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મોટાવરાછાની નીચલી કોલોનીના પ્લોટ નંબર-45માં ભાડાના રૂમના માલિક વીરજી પ્રજાપતિ ગતરોજ રાબેતા મુજબ રૂમ જોવા માટે આવ્યા હતા ત્યારે પહેલા માળે રૂમ નંબર-1માંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. જેથી રૂમનું ભાડુ ઉઘરાવવાનું કામ કરતા નયન ઉર્ફે નિતીન મથુર ઠુમ્મરની મદદથી દરવાજાનું તાળું તોડી રૂમમાં જોતા તેમાં ભાડેથી રહેતા કન્હઇરામ સુંદરરામ (ઉ.વ. 68 મૂળ રહે. વોર્ડ નં. 8, બોડકી, જિ. બાલોદ, છત્તીસગઢ)ની માત્ર આંતરવસ્ત્રો પહેરલી અને બંને હાથ કપડાથી બાંધેલા તથા મોંઢા પર કપડું બાંધેલી સડી ગયેલી હાલતમાં લાશ જોઇ ચોંકી ગયા હતા.
જયારે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશને પોસ્ટ મોર્ડમ માટે મોકલવામાં આવી હતી. જેમાં ત્રણથી ચાર દિવસ અગાઉ ગળે ટુંપો આપી એટલે કે શ્વાસ રૂંઢાવાથી કન્હઇનું મોત થયાનું જણાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. કન્હાઇ અગાઉ પાઉડર કોટીંગનું કામ કરતો હતો. પરંતુ આ કામ છોડી છેલ્લા આઠેક મહિનાથી વતન ખાતેથી કાજુ-બદામ મંગાવી વેપાર કરતો હતો અને રૂમમાં એકલો જ રહેતો હતો. નયને પોલીસને જણાવ્યું હતું કે, પાંચેક દિવસ અગાઉ કન્હઇ વતન જવાનું કહેતો હતો પરંતુ તે વતન જવા નીકળે પહેલા જ તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રૂમનો સરસામાન વેરવિખેર હતો અને વતન જવા પહેલા કન્હઇ પાસે મોટી રકમ હોવાની શકયતા છે અને પડોશી બે યુવક ભેદી સંજોગોમાં ગાયબ હોવાથી લૂંટના ઇરાદે જાણભેદુએ હત્યા કર્યાની આશંકા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500