સુરતના દિલ્હી ગેટથી રિંગરોડ સુધી રીક્ષા ભાડે કરનાર મોરબીના સાડીના વેપારીને રીક્ષા ચાલક ટોળકીએ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. ટોળકીએ વેપારીને ચપ્પુ બતાવી પૈસા અને સાડીનો જથ્થો લુંટવાનો પ્રયાસ કરતા વેપારીએ તેમનો પ્રતિકાર કરી ચાલકને ધક્કો મારતા રીક્ષા પલ્ટી ખાધા ટોળકી ભાગી ગઈ હતી. વેપારીને ઇજા પહોચી હતી. પોલીસે વેપારીની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી રીક્ષા નંબરના આધારે ટોળકીને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.
મહિધરપુરા પોલીસના જણાવ્યા મુજબ, મોરબીના નાની વાવડી ગામ બગથડા રોડ ઉમીયાપાર્ક ખાતે રહેતા ચંદનસિંહ સોનજી સોઢા (ઉ.વ.37) નહેરૂ ગેટ મોરબી પ્લાઝામાં પ્રાર્થના સાડીના નામે દુકાન ધરાવે છે. ચંદનસિંહ ગત તા.26મીના રોજ સવારે સાડીનો માલ લેવા માટે સુરત આવ્યો હતો અને દિલહી ગેટ બ્રીજ નીચેથી રિંગરોડ જવા માટે રીક્ષા ભાડે કરી હતી. રીક્ષામાં પહેલાથી ત્રણ મુસાફરો બેઠા હતા. રીક્ષા સહારા દરવાજા નજીક પહોચતા પહેલા આગળ પાછળ ખસવાનુ કહી નજર ચુકવી ઝભ્ભાના કિસ્સામાંથી રૂપિયા 5 હજાર કાઢી લીધા હતા.
જોકે ચંદનસિંહને ખ્યાલ આવી જતા મુસાફરે તેના પૈસા આપી દેવાનુ કહી ચાલકને રીક્ષા ઉભી રાખવાનું કહેવા છતાંયે ઉભી રાખી ન હતી અને પકડી રાખી ઝાપઝપી કરી ચપ્પુ બતાવતા ચંદનસિંહે રીક્ષા ચાલકને ધક્કો મારતા તેનુ બેલેન્સ નહી રહેતા રીક્ષા પલ્ટી ખાતા ચાલક સહિત ટોળકી ભાગી ગઈ હતી. ચંદનસિંહને પીઠ અને હાથ-પગના ભાગે ઇજા પહોચી હતી. તે દરમિયાન ટ્રાફિક પોલીસ પણ આવી ગઈ હતી. ચંદનસિંહે તેના ભાઈ લાલજી સોઢાને ફોન કરતા તેઓ ઘટના સ્થળે આવી ગયા હતા. રીક્ષા ચાલક ટોળકીએ ચંદનસિંહને રીક્ષામાં બેસાડ્યા બાદ ચપ્પુ બતાવી રોકડા 5 હજાર અને 15 હજારની સાડીનો જથ્થો લૂંટવાની કોશિષ કરી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500