સુરત મહાનગર પાલિકા હદ વિસ્તારમાં રોજેરોજ નીકળતો સેંકડો ટન ઘનકચરાના નિકાલ માટે તંત્ર દ્વારા સુંવાલી ગામ પાસે ડમ્પીંગ સાઇટ બનાવવાની માંગણી રાજ્ય સરકારના દરબારમાં હજી વિચારાધીન છે ત્યારે હવે સુંવાલી સહિત આસપાસના ગ્રામજનો આ મુદ્દે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. સુંવાલી સહિત રાજગરી અને શિવરામપુરના ગ્રામજનો દ્વારા સુંવાલી પાસે ડમ્પીંગ સાઇટ માટે જમીન ફાળવણીની હિલચાલના વિરોધ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપીને આ સંદર્ભે યોગ્ય નિરાકરણની માંગ કરી હતી.
વિકાસની હરણફાળ દોડ ભરી રહેલા સુરત શહેરમાં ઘન કચરાના નિકાલ માટે મહાનગર પાલિકા દ્વારા આગામી ૨૦ વર્ષની સ્થિતિને ધ્યાને રાખીને ડમ્પીંગ સાઇટ માટે રાજ્ય સરકાર સમક્ષ સુંવાલી ગામ નજીક ૫૦ હેક્ટર જમીન તથા સુકા કચરાને પ્રોસેસ કરીને ખાતર બનાવવા માટે ૨૫ હેક્ટર જમીનની માંગણી કરવામાં આવી છે. આ સંદર્ભે સુરત મહાનગર પાલિકા દ્વારા તજવીજ હાથ ધરવામાં આવતાં હવે સુંવાલી સહિત આસપાસના નાગરિકો દ્વારા સખ્ત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. હાલમાં જ સુંવાલી નજીક ડમ્પીંગ સાઇટના વિરોધ સંદર્ભે સ્થાનિકો દ્વારા બેઠકોનો દૌર શરૂ કરીને આ મુદ્દે લડી લેવાની તૈયારી દાખવી હતી. જેના ભાગરૂપે સુંવાલી સહિત રાજગરી અને શિવરામપુરના સરપંચો મોટી સંખ્યામાં ગ્રામજનો સાથે જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સુંવાલી ખાતે ડમ્પીંગ સાઇટ માટે જમીન ફાળવણીના નિર્ણયનો વિરોધ કરીને આવેદન પત્ર પાઠવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, હાલ સુંવાલી અને તેની આસપાસના વિસ્તારની મોટા ભાગની જમીન હજીરાના ઉદ્યોગો માટે સંપાદન કરવામાં આવેલ છે. હવે જે બાકી રહેતી જમીન ડમ્પીંગ સાઇટ માટે ફાળવી દેવાશે તો સ્થાનિક જનતા પાસે કશું વધશે નહીં. આ સિવાય ડમ્પીંગ સાઇટ બનાવવાને પગલે સ્થાનિકોના પશુપાલન - ખેતી અને માછીમારી જેવા વેપાર - ધંધાને પણ અસર પહોંચી શકે છે. અલબત્ત, મનપા દ્વારા જે જમીન માંગવામાં આવી છે તેની આસપાસ આવેલી શાળાઓમાં ૩૫૦૦થી વધુ બાળકો અભ્યાસ કરે છે અને જેને પગલે તેઓના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઇ શકે છે. આ સિવાય અન્ય મુદ્દાઓના આધારે ગ્રામજનો દ્વારા મનપાને સુંવાલી ખાતે ડમ્પીંગ સાઇટ માટે જમીન ફાળવણીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500