પાંડેસરા સિધ્ધાર્થનગર ઝુપડપટ્ટીની બાજુમાં સફારી કોમ્પ્લેક્ષ પાસેથી આધાર પુરાવા વગર એકટિવ સિમકાર્ડ વેચતા એરટેલ કંપનીના એજન્ટને એસઓજીએ ઝડપી પાડી તેની પાસેથી એરટેલ અને વીઆઈ કંપનીના એકટીવ કરેલા 10 સિમકાર્ડ કબજે કર્યા છે, જયારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
એસઓજી પીઆઈ અને પીઍસઆઈની સૂચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે સમયે એવી બાતમી મળી હતી કે, ભેસ્તાન સફારી કોમ્પ્લેક્ષ પાસે અંગદ જયકુમાર ગૌડ (રહે.સુમન સ્મુતી આવાસ,ભેસ્તાન) ટેબલ અને છત્રી રાખી અલગ-અલગ કંપનાની સિમકાર્ડ વેચવાનો ધંધો કરે છે અને પોતાની પાસે અન્ય ગ્રાહકોના નામે એકટીવ કરેલ સિમકાર્ડ પણ રાખે છે જે બાતમીના આધારે એકટીવ કરેલ સિમકાર્ડ ખરીદવા માટે ડમી ગ્રાહક મોકલ્યો હતો.
અંગદ ગૌડાએ ગ્રાહકને સાંજે પાંડેસરા સિધ્ધાર્થનગર ઝુપડપટ્ટી પાસે સિમકાર્ડ લેવા માટે બોલાવતા હતો, જેથી એસઓજીના માણસોએ વોચ ગોઠવી અંગદ ગૌડ એરટેલ કંપનીમાં એજન્ટ હોવાનું બહાર આવ્યું હતું. એરટેલ કંપનીના સિમકાર્ડ વેચાણ કરવા અંગે મહિને 10 હજાર પગાર મળે છે. કંપની તરફથી તેને આપવામાં આવેલી મિત્ર નામની એપ્લીકેશનમાં પોતાની આઈડી અને પાસવર્ડ નંબર મારફતે એપ્લીકેશન લોગીંન કરી સિમકાર્ડ ખરીદવા આવતા ગ્રાહકો પાસેથી તેમના આધાર કાર્ડનો નંબર મેળવી મોબાઈલ એપ્લીકેશનમાં ચેક કરી ગ્રાહકોની જાણ બહાર એનકેન પ્રકારે પ્રોસેસ કરી તેમના નામે બીજુ ફોર્મ ભરી તેના નામે બે સિમકાર્ડ એકટિવ કરાવતો હતો અને એક સિમકાર્ડ ગ્રાહકને આપી બીજુ પોતાની પાસે રાખતો હતો અને આધારા પુરાવા વગરના ગ્રાહકોને વેચતો હતો.
વધુમાં અંગદે પોલીસને તેનો મિત્ર રૂષીકેશ વિજય બાવીષ્કર (રહે.ગણેશનગર આવાસ,વડોદગામ) પણ આ રીતે અન્ય ગ્રાહકોના નામે એકટીવ કરેલ સિમકાર્ડ આપતો હોવાની કબુલાત કરતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500