સુમુલ ડેરી બાદ રાજયની સૌથી મોટી ગણાતી અમુલ ડેરી દ્વારા દુધના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવામાં આવતા દુધની થેલીનો ભાવ લીટરે રૂપિયા ૫૮ થયો છે. જોકે સુમુલ ડેરીની દુધની થેલીનો ભાવ ૬૦ રૂપિયા છે ત્યારે બંને ડેરી એક જ પેકિંગ બ્રાન્ડથી દુધ વેચાણ કરતી હોવા છતાંયે બંનેના ભાવમાં ભારે અસમાનતા છે. ત્યારે આ દુધના ભાવની અસમાનતા દૂર કરવામાં નહી આવે તો જિલ્લા કોગ્રેસ દ્વારા આગામી દિવસોમાં સુરત અને તાપી જિલ્લામાં તબક્કાવાર કાર્યક્રમો યોજવાની ચીમકી આપી છે.
સુરત જિલ્લા કોગ્રેસ સમિતિના જણાવ્યા મુજબ સુમુલ ડેરીના સંચાલકો અમુલ ગોલ્ડ દૂધના ભાવ વધારાનું કારણ ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થયેલા વધારો બતાવવામાં આવી રહ્યા છે પરંતુ બાજુના જિલ્લામાં આવેલી વસુધારા ડેરીનું કાર્યક્ષેત્ર ડાંગ, વલસાડ અને નવસારી જયારે ભરૂચ જિલ્લામાં આવેલ દૂધધારા ડેરીનું કર્યા ક્ષેત્ર ભરૂચ અને નર્મદા જિલ્લા જેટલું વિસ્તૃત હોવા છતાં આ બંને ડેરીઓ દ્વારા ગોલ્ડ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. સુમુલ ડેરી દ્વારા જે અમુલ ગોલ્ડ દૂધનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તેનો લાભ પશુપાલકોને મળી રહ્યો નથી. પશુપાલકોને કિલોફેટે ૧૦૦ રૂપિયા જેટલો વધારો મળવો જોઇએ. વધુમાં સમગ્રદેશમાં અમુલ ગોલ્ડ દૂધ ૫૮ રૂપિયાની કિંમતે વેચાઇ રહ્યું છે જ્યારે સુરતમાં સુમુલ ડેરી દ્વારા સુરત શહેર-જિલ્લા તથા તાપી જિલ્લામાં અમુલ ગોલ્ડ દૂધ ૬૦ રૂપિયાના ભાવે વેચવામાં આવી ર્રહ્યું છે.
સુમુલ અને અમુલ ડેરીના ગોલ્ડ દુધના ભાવની અસમાનતાના કારણે સુરત શહેર-જિલ્લા તથા તાપી જિલ્લાનાં ગ્રાહકોએ વાર્ષિક ૬૦ કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યા છે. એક જ દેશમાં જુદા-જુદા ભાવે વેચાઇ રહેલા અમુલ ગોલ્ડ દૂધના ભાવની અસમાનતાનો જિલ્લા કોગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્ના છે અને એક જ ગુણવત્તા અને વજનવાળા અમુલ ગોલ્ડ દૂધની કિંમત એક જ સરખી હોવી જોઇએ. વધુમાં જણાવ્યું હતું કે, અમુલ ગોલ્ડ દૂધના ભાવની અસમાનતા દૂર કરવા અને પશુપાલકોને વધુ ભાવ મળે એ માટે આવનાર દિવસોમાં તબક્કાવાર કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500