સુરતના વરાછા વર્ષા સોસાયટીમાં રહેતા રત્નકલાકારની સી.એ નો અભ્યાસ કરતી 20 વર્ષીય પુત્રી બુધવારે સાંજે ઘરેથી બુક લેવા જવા માટે નિકળ્યા બાદ તેનું અપહરણ થયું હતું. અપહરણકારે યુવતીના પિતાને ફોન કરી દીકરીની મુક્તીના બદલામાં રૂપિયા 10 લાખની ખંડણીની માંગણી કરતા પરિવાર દોડતો થયો હતો. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીનું જેની સાથે પ્રેમ પ્રકરણ હતું તે યુવક પણ ઘરેથી ગાયબ હોવાનું બહાર આવતા બંને જણા ભાગી ગયા હોવાની આશંકા સાથે હાલ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
વરાછા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, વરાછા વર્ષા સોસાયટી પાસે ડાહ્નાપાર્ક સોસાયટીમાં રહેતા અને હીરા ઘસવાની મજુરી કામ કરતા લાખાભાઈ સોલકીની 20 વર્ષીય પુત્રી હીરાબાગ પાસે આવેલ કલાસીસમાં સી.ઍ નો અભ્યાસ કરે છે. લાખાભાઈની દીકરી બુધવારે સાંજે ઘરેથી સી.એ ની બુક લેવા જવાને બહાને નિકળ્યા બાદ પરત ઘરે આવી ન હતી. પરિવારજનો દ્વારા તેની શોધખોળ વચ્ચે ઍક અજાણ્યાનો ફોન આવ્યો હતો અને દીકરી જોતી હોય તો રૂપિયા 10 લાખ આપી જાઓ તેવી કહી ફોન કટ કરી નાંખ્યો હતો.
દીકરીનું 10 લાખની ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યુ હોવાનો ફોન આવતા પરિવારના પગતળે જમીન ખસી ગઈ હતી અને બનાવ અંગે પોલીસને જાણ કરતા બનાવની ગંભીરતાથી લઈ પીઆઈ પી.એ.આર્યએ અપહરણ ખંડણીની ગુનો દાખલ કરી અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરુ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતી સીસીકેમેરામાં છેલ્લે હીરાબાગ શાકભાજી માર્કેટથી ચાલતી ચાલતી કાપોદ્રા પોપડા સુધી જતી દેખાય છે.
આ ઉપરાંત યુવતીનો કાપોદ્રામાં રહેતા મૂળ રાજસ્થાની ખટીક નામના યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હતો અને તે પણ ઘરેથી ગાયબ હોવાનુ બહાર આવ્યું હતું. પોલીસને આશંકા છે કે યુવતી તેના પ્રેમી સાથે ભાગી છે અને પકડાઈ નહી જવાય તે માટે બંને જણા પોતપોતાના મોબાઈલ પણ ઘરે મુકીને ગયા છે અને નવા નંબરથી યુવતીના પિતાને ફોન કરી ખંડણીની માંગણી કરી ગેરમાર્ગે દોરવામાં આવ્યો હોવાની આશંકા સાથે પોલીસે હાલમાં તે દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500