Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Crime : મળસ્કે મજુરી કામે જવા નીકળેલ યુવકને ચોર સમજી માર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત

  • May 08, 2022 

સુરતનાં લીંબાયત મહાપ્રભુનગર મમતા ટોકીઝ નજીક મળસ્કે યુવકને ચોર સમજી લોકોએ માર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે લીંબાયત પોલીસે ટોળાં વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ત્રણની અટકાયત કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ બિહારનો વતની અને સુરતમાં લીંબાયત પ્રતાપનગર ગલી નં.3 પ્લોટ નં.53 માં વિધવા માતા, પત્ની, ત્રણ ભાઈઓ સાથે રહેતો 30 વર્ષીય યુસુફ મોહમદ મુસ્તાક મોહમદ ઇલીયાસ અંસારી છેલ્લા બે માસથી માર્કેટમા મજુરી કામ કરતો હતો. જોકે તેની પત્ની રેશ્મા પિતા બિમાર હોય વતન ગઈ છે.



જયારે રાત્રે નોકરીએથી પરત ફરેલા યુસુફે માતા જમીલાબેનને સસરાને મળવા સવારે ગામ જવાનો છું તેથી કપડાં તૈયાર રાખવા કહ્યું હતું અને થોડીવારમાં આવું છું કહી ઘરેથી જમ્યા વિના નીકળ્યો હતો. જોકે, મોડે સુધી તે આવ્યો નહોતો. યુસુફ મોબાઈલ ફોન રાખતો ન હોય જમીલાબેને નાના દિકરા આસીફ ઉર્ફે બાબાને મહોલ્લામા શોધવા માટે મોકલ્યો હતો. પરંતુ યુસુફ નહીં મળતા તે રાત્રે સુઈ શક્યા નહોતા.




દરમિયાન, સવારે 6 વાગ્યે અજાણ્યા નંબર પરથી જમીલાબેનને ફોન કરી કોઈકે યુસુફને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો છે તેવી જાણ કરતા જમીલાબેન અને તેમનો પુત્ર ત્યાં દોડી ગયા હતા. આઇસીયુ વોર્ડમા દાખલ યુસુફને કપાળના ભાગે, ડાબા હાથના કાંડાના ભાગે તેમજ ડાબા પગના થાપાના ભાગે કાળા ધબ્બાઓ હતા. તેમજ જમણા પગની ઘુંટીના ઉપરના ભાગે ફેકચર થયું હતું. ત્યાં હાજર ડોકટરે જણાવ્યું હતું કે, યુસુફ મળસ્કે પાંચ વાગ્યે લીંબાયત મહાપ્રભુનગર મમતા ટોકીઝ પાસેથી પસાર થતો હતો. તે સમયે તેને ચોર સમજી લોકોના ટોળાંએ ઢીક્કામુક્કીનો અને બોથડ પદાર્થ વડે માર મારી ઇજા પહોંચાડી હતી. બાદમાં યુસુફ સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો.




બનાવની જાણ થતા લીંબાયત પોલીસે જમીલાબેનની ફરિયાદના આધારે ટોળાં વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ત્રણની અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લોકોએ યુસુફને રીક્ષાના ટાયર ચોરી જતો હોવાની શંકાને લીધે માર માર્યો હતો જયારે વધુ તપાસ પીઆઈએ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application