સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં ધામડોદ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર આવેલ રોઝ ગાર્ડન હોટલમાં રહી કામ કરતો અનિલ શિવસિંઘ પાર્કી જે બપોરના સમયે કોસંબા ખાતે કપડાંની ખરીદી કરવા માટે ગયો હતો અને ત્યાંથી કપડાંની ખરીદી કરી પરત હોટલ ઉપર આવવા માટે નીકળ્યો હતો.
તે સમયે રિક્ષામાં બેસીને સાવા પાટિયા સુધી આવ્યો હતો અને ત્યાંથી બીજી રિક્ષા નંબર જીજે/38/ડબલ્યુ/1467 આવતા તેમાં બેઠો હતો. આ રિક્ષામાં આગળની સીટ ઉપર પહેલાથી બે વ્યક્તિઓ બેઠા હતા અને પાછળની સીટ પર પણ બે વ્યક્તિઓ બેઠા હતા. જયારે અનીલને પાછળની સીટ પર બેસેલ વ્યક્તિએ જણાવ્યુ હતું કે, મેરેકો આગે ઉતરના હે તું અંદર બેઠ તેમ કહેતા અનિલ બંને વ્યક્તિઓની વચ્ચે બેસી ગયો હતો. ત્યારબાદ આ રિક્ષામાં બેસેલ ચારેય વ્યક્તિઓ મહુવેજ ગામની સીમમાં આવેલ નંદાવ બ્રિજથી મહુવેજ ગામ તરફ રિક્ષા લઈ જઈ અનિલને ઢીકામુક્કીનો મારમારી તેને નીચે ઉતારી દઈ તેની પાસેનો મોબાઈલ ફોન તેમજ પેન્ટના પાછળના ખિસ્સામાં મુકેલ રોકડા રૂપિયા એમ કુલ મળી 6,700/-ની લુંટી ભાગી છૂટ્યા હતા.
આ બનાવ અંગે યુવક હોટલે પહોંચી તમામ હકીકત હોટલના શેઠને જણાવી હતી જેથી શેઠે અનિલને પોલીસમાં ફરિયાદ આપવાનું કહેતા, અનિલ પાર્કીએ કોસંબા પોલીસ સ્ટેશનમાં રીક્ષામાં સવાર 4 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500