સુરતનાં કામરેજ ખાતે રહેતું દંપતી રાત્રિના સમયે નવીપારડી ગામેથી શાકભાજી તેમજ ઘર વખરીનો સામાન લઈ પરત ઘરે ફરી રહ્યા હતા. તે સમયે રસ્તો ક્રોસ કરી રહેલ મહિલાને એક કાર ચાલકે અડફેટે લેતા મહિલાને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ ખાતે લાઇટકોન ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિમિટેડમાં આવેલ મકાનમાં રહેતા અને મૂળ યુ.પીના વતની અજીતકુમાર બડક સહાની નાઓ કે જે મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
જેઓ પત્ની ગુડીબેન તેમજ પુત્ર વિકાસ સાથે સાંજના સાતેક વાગ્યાના સમયે નવીપારડી ગામે શાકભાજી તેમજ ઘર વખરીનો સામાન લેવા માટે ગયા હતા. જ્યાં ખરીદી કરી પગપાળા પરત ઘરે આવવા નીકળ્યા હતા ત્યારે નવીપારડી ગામની સીમમાં નેશનલ હાઈવે-48 પર લીમોદરા ગામ તરફના કટ નજીક ગુડીબેન રસ્તો ક્રોસ કરી રહી હતી. તે સમયે પૂરઝડપે આવતી એક કાર નંબર જીજે/05/જેઆર/8009નાં ચાલકે ગુડીબેનને અડફેટે લીધી હતી.
જયારે સર્જાયેલા અકસ્માતમાં ગુડીબેન સહાનીને શરીરે ગંભીર ઇજા પહોંચતા પ્રથમ સારવાર ખોલવડ દીનબંધુ હોસ્પિટલમાં તેમજ વધુ સારવાર માટે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500