સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં બમરોલી ગામમાં દીપડાએ ગતરોજ વહેલી સવારે એક વાછરડા નો શિકાર કર્યા બાદ વન વિભાગને જાણ કરતાં મારણ સાથે પાંજરું ગોઠવવામાં આવતા માત્ર 40 મિનિટમાં જ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં બમરોલી ગામે છેલ્લા કેટલાક દિવસોથી દીપડો નજરે પડી રહ્યો હતો અને આ દીપડાએ વહેલી સવારે રાજપૂત ફળિયામાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં દિનેશસિંહ નટવરસિંહ બારસડીયાના ઘરની પાછળ આવેલ પશુઓના તબેલામાં બાંધેલ એક વાછરડીનો શિકાર કર્યો હતો જ્યારે અન્ય એક વાછરડી ઉપર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યું હતું.
આ બાબતે દિનેશસિંહે બારડોલી વનવિભાગના આરએફઓને જાણ કરતાં વનવિભાગના ફોરેસ્ટરની ટીમ દ્વારા બમરોલી ગામમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને રાત્રીના સમયે ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના જતિન રાઠોડ અને તેમની ટીમ દ્વારા આ પાંજરામાં મારણ તરીકે મરઘી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ માત્ર 40 મિનિટમાં જ મરઘી ખાવાની લાલચે દીપડો પાંજરે પુરાયો હતો. ત્યારબાદ વનવિભાગની ટીમ સ્થળ ઉપર આવી દીપડાનો કબ્જો મેળવ્યો હતો. અને આ દીપડો 4 વર્ષનો હોવાનું જણાવ્યુ હતું. આ દીપડાનું સ્વાસ્થ્ય પરીક્ષણ કરી તેને દૂર જંગલમાં છોડવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500