સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં જોળવા ગામ ખાતે આવેલ ગાર્ડનવેલી સોસાયટીમાં ગટરનું ઢાંકણું ખોલી ટાઇલ્સ પર મૂકતાં ટાઇલ્સ તૂટી જતાં બે પાડોશીઓ વચ્ચે મારામારી થતાં બંને વ્યક્તિઓએ સામસામી ફરિયાદ નોંધાવી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, જોળવા ખાતે ગાર્ડનવેલી સોસાયટીમાં મકાન નંબર-307માં રહેતા સંતોષ હરિદેવકાંત મિશ્રા કે જેઓ ગેસના બોટલ ભરેલ ગાડીઓને લોડ-અનલોડ કરવાનું કામ કરી ગુજરાન ચલાવે છે. ગત તા.4 જુલાઇના રોજ તેમની પાડોશમાં રહેતા મનોજ સુખદેવ સુથારના ઘરની ગટર જામ થઈ જતાં તે સંતોષના ઘરની પાછળ પાણીની ગટર જોવા આવ્યા હતા. અને તેણે ગટરનું ઢાંકણ ખોલી ઢાંકણ ટાઇલ્સ પર મૂકતાં ટાઇલ્સ તૂટી ગઈ હતી. જેથી સંતોષ અને તેની પત્ની બોલાચાલી કરી રહ્યા હતા.
તે સમયે મનોજકુમાર અને તેનો ભાઈ અશોકકુમાર ત્યાં આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તારી ગટરનું ઢાંકણ ખોલી ટાઇલ્સ તોડી નાંખી છે તું કેમ વધુ પડતો બોલ બોલ કરે છે તેમ કહી મનોજ અને અશોકે સંતોષ અને તેની પત્નીને લાકડી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનું જણાવ્યુ છે. જ્યારે બીજી તરફ મનોજ સુખદેવ સુથારએ આપેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ દિવસથી તેમના ઘરની ગટર જામ થઈ જતાં તેણે સંતોષની પત્નીને પૂછી તેના ઘરની પાછળ આવેલ ગટરનું ઢાંકણ ખોલી જોતાં જે ઢાંકણ ટાઇલ્સ પર મૂકતાં ટાઇલ્સ તૂટી ગઈ હતી. જેથી સંતોષની પત્ની ચુન્નીદેવીને ટાઇલ્સના પૈસા આપવાનું કહેતા તેને પૈસાની ના પાડી હતી. ત્યારબાદ સાંજના સમયે સંતોષ ઘરે આવતા તેણે બોલાચાલી કરી મનોજ અને અશોકને લાકડી વડે માર માર્યો હોવાનું જણાવ્યુ હતું. બનાવ અંગે પલસાણા પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500