સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં કઢૈયા ગામે દશેરા ટેકરી ફળિયામાં સામાન્ય બાબતે બોલાચાલી થતાં બે પરિવારો બાખડ્યા હતા. કોઢારમાં મુકેલ પાઇપ હટાવવાનું કહેતા પાડોશમાં રહેતા પરિવારે મહિલાને કપાળના ભાગે ઈંટ મારી ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહુવા તાલુકાનાં કઢૈયા ગામે દશેરા ટેકરી ફળિયામાં રહેતા કુસુમબેન નરેશભાઇ પટેલ (ઉ.વ.45) જે તેમના પતિ નરેશભાઈ સાથે ઘરે હાજર હતા. ત્યારે બપોરના અઢી વાગ્યાની આસપાસ તેમના દિયર ગુણવંતભાઈ તેમના ઘરની પાછળ આવેલ કોઢાર નજીક ઊભા હતા.
ત્યારે નરેશભાઇએ ગુણવંતભાઈને જણાવ્યુ હતું કે, તારા કોઢારવાળો પાઈપ જે અમારી કબ્જાની જમીનની હદમાં આવેલ છે જેથી તે હટાવી લેવાનું કહેતા જ ગુણવંતભાઈ છગનભાઈ પટેલે બૂમો પાડી સુરેશભાઇ નગીનભાઈ પટેલ, હેમલતાબેન સુરેશભાઇ પટેલને બોલાવ્યા હતા અને તેઓ ત્યાં દોડી આવી સુરેશભાઈએ કુસુમબેનને કપાળના ભાગે ઈંટો મારી હતી. જ્યારે ગુણવંતભાઈ તેમજ હેમલતાએ કુસુમબેન સાથે ઝપાઝપી કરી અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતાં રહ્યા હતા. બનાવ અંગે કુસુમબેન પટેલે મહુવા પોલીસ સ્ટેશનમાં આ ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500