સુરતનાં અડાજણ વિસ્તારમાં ઓનલાઇન IPL મેચ ઉપર સટ્ટો રમાડનાર 4 લોકોની ધરપકડ કરી હતી અને પકડાયેલા આરોપીઓ પાસેથી 35 મોબાઈલ સહીત રૂપિયા 3.35 લાખ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ બુકી અને ગ્રાહકો મળી 10 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
બનાવની વિગત એવી છે કે, IPLની સીઝન શરૂ થતાં સટોડિયાઓ મેચ પર સટ્ટો રમતા હોય છે ત્યારે સુરતમાં પીસીબી પોલીસને બાતમી મળી હતી કે, અડાજણ ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી ગ્રીન રેસીડેન્સીમાં હિતેશ રમણલાલ રાજપૂત અને દિવાનસિહ ખોમાનસિહ ગોહિલ નામના ઈસમો (મૂળ રહે. ખંભાત) નાઓ ચાર પાંચ દિવસથી સુરત ખાતે આવેલી તેના સાગરીતો સાથે IPLની મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યા છે.
જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. અને સ્થળ ઉપરથી પોલીસે ફ્લેટમાંથી હિતેશ રમણલાલ રાજપૂત, જીતુંભાઈ કાળીદાસ રાણા, દિવાનસિહ ખોમાનસિહ ગોહીલ તથા કલ્પેશભાઈ અરવિંદભાઈ સોની નાઓની ધરપકડ કરી હતી. આમ, પોલીસે ફ્લેટમાંથી જુગારના રોકડા રૂપિયા 86 હજાર, 1.22 લાખના 35 મોબાઈલ, 2 લેપટોપ, તથા ટેબ્લેટ અને એક એલસીડી ટીવી મળી કુલ રૂપિયા 3.35 લાખની કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જોકે પોલીસે આ કેસમાં જામનગર ખાતે રહેતા બુકી ગુરુજી, અમદાવાદ ખાતે રહેતા જે.પી, તથા જુગાર રમનાર ગ્રાહકો પૈકી ખંભાત ખાતે રહેતા રીતેશ પટેલ, અમદવાદ ખાતે રહેતા અશ્વિન રાજપૂત, ખંભાત ખાતે રહેતા મહેન્દ્ર પરમાર, બીપીન રાવળ, તરુણ રાવળ, અમદાવાદના અંકિત રાજપૂત, સંજય દરબાર તથા ખંભાતના મનોજ રાવળને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500