સુરતમાં લસકાણા ખાતે ગત મોડી રાત્રે એક રૂમમા ગેસ લીકેજ થયા બાદ પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા લાગેલી આગમાં 3 વ્યક્તિઓ દાઝ્યા હતા. બ્લાસ્ટ એટલો પ્રચંડ આવાજ સાંભળી સ્થાનિક રહીશો ઘબરાઈ ગયા હતા અને અફડાતફડી સર્જાઈ હતી. દાઝી ગયેલા 3ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, લસકાણા ખાતે વિપુલનગરમાં આવેલી એક બિલ્ડિંગમા અલગ-અલગ રૂમો બનાવવામા આવેલા છે, જે રૂમોમા લૂમ્સના કારીગરો રહે છે. ગત મોડી રાત્રે એક રૂમમાં કારીગર રસોઈ બનાવતો હતો. તે સમયે દરમિયાન અચાનક ગેસ લીકેજ થયા બાદ જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થતા સ્થાનિકો ઘબરાઈ ગયા હતા. બ્લાસ્ટને કારણે આજુ-બાજુના રૂમોની દીવાલો ધરાશાઈ થઇ ગઈ હતી તેમજ રસોઈ બનાવતો કારીગરો અને આજુ-બાજુના રૂમોમાં રહેતા કારીગરો પણ દાઝી ગયા હતા અને ઘટનાને પગલે સ્થળ ઉપર લોકોની ભીડ એકત્ર થઇ ગઈ હતી.
આ ઘટના અંગે જાણ કરવામા આવતા કાપોદ્રા અને કામરેજ ફાયર સ્ટેશનથી ફાયર કર્મીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો ફાયર કર્મીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામા આવી હતી. દાઝી ગયેલા કારીગરો પૈકી બાબુલા ચન્ના (ઉ.વ.32) અને બિપિન બહેરા (ઉ.વ.26) ને સ્મીમેર હોસ્પિટલમા ખસેડાયા હતા. જયારે ગંભીર રીતે દાઝી ગયેલા રામ મિલન (ઉ.વ.42) ને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો તેમજ ફાયર દ્વારા કાટમાળ હટાવી આગ પર કાબુ મેળવવામા આવ્યો હતો. ફાયર ઓફિસર વિનોદભાઈ રજોવાડીયાએ જણાવ્યું હતું કે, દાઝી ગયેલા ત્રણે વ્યક્તિઓ કારીગરો હતા અને અહીંયા નાના રૂમોમાં રહેતા હતા અને રાત્રે રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થયા બાદ સિલિન્ડર બ્લાસ્ટ કે ફ્લેશ ફાયર થવાની પણ શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500