સુરતના પલસાણા પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલોએ એક અઠવાડીયા અગાઉ અંત્રોલી ભૂરી ફળિયાના લિસ્ટેડ બુટલેગર તેમજ આર્મ એક્ટ અને બળાત્કારના ગુનામાં વોન્ટેડ આરોપી રોહિત વાંસફોડિયા અને પલસાણાના લાલુ નામના એક યુવકને મોટરસાઇકલ ઉપર પકડી લીધા બાદ ઢોર મારમારી છોડી મૂક્યા હતા. આ ઘટનામાં રૂપિયાની માંગ થઈ હોવાના આક્ષેપ સાથે વિવાદ થતાં જિલ્લા પોલીસ વડાએ એક કોન્સટેબલની માંડવી જ્યારે બીજાની માંગરોળ ખાતે બદલી કરી દેતા ચકચાર મચી ગઈ છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જીગર દિનેશભાઇ અને મહિપાલ રઘુવીરસિંહ નાઓએ એક અઠવાડીયા અગાઉ નાઈટ પેટ્રોલીંગ હતા. તે દરમિયાન પલસાણા બ્રિજ નીચેથી એક મોટરસાઇકલ ઉપર પસાર થતાં અંત્રોલી ભૂરી ફળિયા ખાતે રહેતા માથાભારે લિસ્ટેડ બુટલેગર રોહિત દિનેશ વાંસફોડિયા તેમજ પલસાણાના લાલુ રાઠોડ નામના યુવકને પકડી લીધા હતા. પોલીસે આ પ્રકરણમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ બંને યુવકોને મારમારી મોટી રકમની માંગણી કરી હોવાના આક્ષેપ થયા હતા. આ પ્રકરણમાં બંને યુવકના મોબાઈલ લઈ તેમને છોડી દેવામાં આવ્યા હતા. ગંભીર બાબત એ હતી કે, રોહિત વાંસફોડિયો આર્મ એક્ટ ઉપરાંત પ્રોહી. ગુનામાં તેમજ યુ.પીમાં બળાત્કારના ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે છોડી મૂક્યા બાદ વિવાદ સર્જાતા સમગ્ર પ્રકરણ જિલ્લા પોલીસવડા પાસે પહોંચ્યું હતું. ત્યારબાદ જિલ્લા પોલીસવડાએ પોલીસ કોન્સ્ટેબલ જીગર દિનેશભાઈને પલસાણાથી માંડવી બદલી કરી દીધી છે. જ્યારે પોલીસ કોન્સ્ટેબલ મહિપાલસિંહ રઘુવીરસિંહની પલસાણાથી માંગરોળ ખાતે બદલી કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી પલસાણા પોલીસ વહીવટને કારણે વિવાદમાં સપડાય રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application