સુરત શહેરના વરાછા મેઈન રોડ રીલાયન્સ મોલમાં બીજા માળે ઓફિસ ધરાવતા હીરા વેપારીએ દલાલ મારફતે આઠ જેટલા નાના હીરા વેપારી પાસેથી કુલ રૂપિયા 1.59 કરોડની કિંમતના તૈયાર હીરાનો માલ બે દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાના સમય મર્યાદામાં ખરીદ્યા ઓફિસને તાળા મારી ઉઠમણું કરતા હીરા વેપારીઓ દોડતા થયા હતા. બનાવ અંગે પોલીસે હીરા વેપારી અને દલાલ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
વરાછા પોલીસના જણાવ્યા મુજબ, વરાછા અંકુર ચાર રસ્તા ગોલ્ડન પ્લાઝા ઍપાર્ટમેન્ટમાં રહેતી 30 વર્ષીય હીરા વેપારી નાનુભાઈ ભવાનભાઈ હીરપરા પાસેથી ગત તા. 02 જુલાઈના રોજ દલાલ ચતુર લાલજી પાનસેરીયા (રહે.જુની શક્તિવિજય સોસાયટી વરાછા) મારફતે વરાછા મેઈન રોડ રિલાયન્સ મોલમાં બીજા માળે ઓફિસ ધરાવતા હીરા વેપારી મયુર મુકશ ટીબડીયા (રહે.વરાછા) એ બે દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી કુલ રૂપિયા 31,22,325/-ની કિંમતના અલગ-અલગ વજનના તૈયાર હીરાનો માલ ખરીદ્યો હતો. જયારે અન્ય સાત વેપારીઓ પાસેથી રૂપિયા 1,27,69,448/-નો મળી કુલ રૂપિયા 1,58,91,773/-નો હીરાનો માલ ખરીદ્યો હતો.
જોકે નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા નાનુભાઈ હીરપરાએ પેમેન્ટની ઉઘરાણી કરતા શરૂઆતમાં વાયદાઓ કર્યા બાદ ઓફિસ બંધ કરી દીધી હતી. મયુર અને ચતુરે ઉઠમણું કયું હોવાનુ બહાર આવતા નાનુભાઈ સહિતના હીરા વેપારીઓ દોડતા થયા હતા જેથી આ અંગે ડાયમંડ એસોસીએશનમાં રજુઆત કરતા મયુર ટીબડીયા અને ચતુર પાનસેરીયા સાથે હીરા તથા પૈસાની લેવડ-દેવડ કરવા છતાંયે કોઈ પ્રકારની સમજુતી કરી ન હતી અને નાનુભાઈ સહિતના હીરા વેપારીઓએ તેમના હીરા કે પેમેન્ટ ચુકવ્યુ ન હતું. આ અંગે નાનુભાઈ હીરપરાએ કરેલી અરજીના આધારે પોલીસે મયુર ટીબડીયા અને દલાલ ચતુર પાનસેરીયા સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500