સુરત જીલ્લામાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યું છે અને તેની સામે જીલ્લામાં સુવિધા ખૂબ જ ઓછી છે. બારડોલી અને માંડવીમાં 36-36 બેડના કોવિડ કેર સેન્ટરો બનાવવામાં આવ્યા હતા પરંતુ તે ગણતરીના કલાકોમાં જ ફૂલ થઈ ગયા હતા. જેને કારણે જીલ્લાના દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે હરકતમાં આવેલા જીલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા જીલ્લામાં અદ્યતન સુવિધા ધરાવતું કોવિડ કેર સેન્ટર શરૂ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
બારડોલી-મહુવા રોડ પર આવેલી ઉકા તરસાડીયા યુનિવર્સિટીની કબીર બોયઝ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર બનવાની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે અને અંદાજિત ૨૧૧ પથારીની ક્ષમતા ધરાવતા આ સેન્ટરમાં ૧૫૪ પથારી પર ઓક્સીજનની સુવિધા પૂરી પાડવામાં આવશે. જ્યારે બાકીની પથારીઓ સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત ૨૪ કલાક ઓક્સીજનનો પૂરતો જથ્થો મળી રહે તે માટે લાઇન પણ ખેંચવામાં આવી રહી છે. સોમવારના રોજ જીલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ અને જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીએ નવા બની રહેલા કોવિડ કેર સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.
અહી ગંભીર દર્દીઓને પણ સારવાર મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા ઉપરાંત લેબોરેટરી, મેડિકલ રૂમ, મેડિકલ સ્ટોર, નર્સ અને ડોક્ટર્સને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ સુરત ગ્રામ્યનું સૌથી મોટું કોવિડ સેન્ટર હશે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500