Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુપ્રીમ કોર્ટે રણવીર અલ્હાબાદિયાની અશ્લીલ ભાષા વાપરવા બદલ આકરી ટીકા કરી

  • February 19, 2025 

સ્ટેન્ડ અપ કોમેડિયન સમય રૈનાના યુટયુબ રિયાલિટી શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ નામના શોમાં મહેમાન તરીકે આવેલાં રણવીર અલ્હાબાદીયાએ માતાપિતાની જાતીય પ્રવૃત્તિ વિશે બિભત્સ સવાલ કરતાં તેની સામે અનેક એફઆઇઆર દાખલ થઇ છે ને પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. જેને પગલે રણવીરે પોતાની ધરપકડ ટાળવા સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર સુનાવણી કરતાં ન્યાયાધીશોએ રણવીર અલ્હાબાદિયાની અશ્લીલ ભાષા વાપરવા બદલ આકરી ટીકા કરી કહ્યું હતું કે એવુ લાગી રહ્યું છે કે જાણે તમારા મગજમાં ગંદકી ભરી છે, સાથે જ સુપ્રીમ કોર્ટે રણવીરને પોતાનો પાસપોર્ટ પોલીસ સમક્ષ જમા કરવાનો આદેશ આપ્યો હતો.


સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી પુરી ન થાય ત્યાં સુધી કોઇ શો ન કરવાની તાકીદ કરી હતી અને તે કોર્ટની પરવાનગી વિના દેશ છોડીને જઇ શકશે નહીં તેવી પણ ટકોર કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે  રણવીર અલ્હાબાદિયા સામે મુંબઇ, આસામ અને જયપુરમાં નોંધાવવામાં આવેલી એફઆઇઆરના મામલે વચગાળાની રાહત આપતાં તેની ધરપકડ ન કરવા જણાવ્યું  છે. સુપ્રીમ કોર્ટે  સોઇ ઝાટકીને જણાવ્યું હતું કે રણવીર અલ્હાબાદિયાએ જે કહ્યું  છે  તે શર્મનાક છે. એક્સ પર છ લાખ અને ઇન્સ્ટાગ્રામ પર ૪૫ લાખ ફોલોઅર્સ ધરાવતાં અને તેની યુટયુબ ચેનલ પર એક કરોડથી વધારે સબસ્ક્રાઇબર્સ ધરાવતાં અલ્હાબાદિયાની આ માતા પિતા અંગેની કોમેન્ટ વાઇરલ થઇ તેના પગલે દેશભરમાં રણવીર અલ્હાબાદિયા સામે વિરોધ ફાટી નીકળ્યો હતો.


જેને પગલે વિવિધ રાજ્યોમાં તેની સામે એફઆઇઆર્સ નોંધાવવામાં આવીહતી. જેના પગલે પોતાની ધરપકડ ટાળવા અને આ એફઆઇઆર્સ રદ કરાવવા રણવીર અલ્હાબાદિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર મંગળવારે સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ કોટિેશ્વરસિંહની બનેલી બેન્ચ સમક્ષ થયેલી સુનાવણીમાં રણવીર અલ્હાબાદિયા વતી દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના પુત્ર અને વકીલ અભિનવ ચન્દ્રચૂડ  દ્વારા દલીલો કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે વકીલને સવાલ કર્યો હતો કે તમે આ પ્રકારની ભાષાનો બચાવ કરી રહ્યા છો? જવાબમાં વકીલ અભિનવ ચંદ્રચૂડે કહ્યું હતું કે કોર્ટના ઓફિસર તરીકે હું ખુદ આ પ્રકારની ભાષાને કારણે અણગમો મહેસુસ કરું છું.


પરંતુ અહીંયા સવાલ કાયદાનો છે.  રણવીરે તેની અરજીમાં વિવિધ એફઆઇઆર્સને જોડવાની અને પોતાને ધરપકડ સામે રક્ષણ આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે વચગાળાની શરતી રાહત આપતાં જણાવ્યું હતું કે અરજદારે તપાસમાં સંપૂર્ણ સહકાર આપવો પડશે. તેની સાથે પોલીસ સ્ટેશનમાં તપાસ દરમ્યાન કોઇ વકીલને હાજર રાખી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રણવીર અલ્હાબાદિયા સામે આ મામલે વધુ કોઇ એફઆઇઆર નોંધાવી શકાશે નહીં. અરજદાર  તેને મળેલી ધમકીઓ સામે રક્ષણ મેળવવા પોલીસ પાસે જઇ શકે છે. અદાલતે આ મામલે કેન્દ્ર, મહારાષ્ટ્ર અને આસામ સરકારનો પ્રતિભાવ માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી ત્રણ માર્ચે કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application