ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની કાર્યવાહીની સુપ્રીમ અને હાઈકોર્ટ દ્વારા આકરી ટીકા કરવામાં આવી રહી છે. સુપ્રીમે તો જણાવી દીધું છે કે, ઇડી ગુનાઓની સંખ્યાના બદલે કાર્યવાહીની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરે તો વધારે સારું રહેશે. તેની સાથે કોર્ટે ઇડી દ્વારા દાખલ કરવામાં આવતા કેસોમાં દોષિતોને થતી સજાના ઓછા પ્રમાણને લઈને પણ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ 12 ફેબ્રુઆરીના રોજ ભૂતપૂર્વ એક્સાઇઝ ઓફિસર સામે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ)નો ઉપયોગ કરવા સામે ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે દહેજના કાયદાની જેમ આ કાયદાનો પણ દૂરુપયોગ થઈ રહ્યો છે કે શું.
બીજા પ્રસંગે સુપ્રીમ કોર્ટે ઇડી દ્વારા હરિયાણાના ભૂતપૂર્વ કોંગ્રેસી વિધાનસભ્યની અડધી રાત્રે ધરપકડ કરીને ૧૫ કલાક સુધી લાંબી પૂછપરછ કરી તેને અમાનવીય અભિગમ ગણાવ્યો હતો. આ ઉપરાંત એક મહિલાના કેસમા જામીન અરજીની સુનાવણી કરતાં ઇડીની દલીલો સામે સુપ્રીમ કોર્ટે જમાવ્યું હતું કે, તેની દલીલો પીએમએલએલની જોગવાઈથી જ વિપરીત છે. અમે નિયમથી વિપરીત જઈને કરવામાં આવતી રજૂઆતને સહન ન કરી શકીએ. ઇડીએ ભૂતપૂર્વ આઇએએસ ઓફિસરને સમન્સ પાઠવ્યા હતા અને ધરપકડ કરી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ઇડીએ ધરપકડ કરવા માટે કરેલી ઉતાવળ સામે સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટે તેમા ત્યાં સુધી જણાવી દીધું હતું કે આટલી ઉતાવળ તો આઇપીસી હેઠળ પકડવામાં આવતા આતંકવાદીની ધરપકડ માટે પણ કરવામાં આવતી નથી.
તેની સાથે કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં સજાના ઓછા દર સામે પણ ધ્યાન દોર્યુ હતુ અને ઇડીને જણાવ્યું હતું કે તે કાર્યવાહી અને પુરાવાની ગુણવત્તા પર ધ્યાન આપે. સંસદમાં રજૂ કરવામાં આવેલા નિવેદનમાં ત્રણ જજ સૂર્યકાંત, દિપાંકર દત્તા અને ઉજ્જલ ભુયાનની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે ઇડીએ ગુનેગારોની સજાનું પ્રમાણ વધારવા માટે વૈજ્ઞાાનિક ઢબે તપાસ કરવી જોઈએ. ઇડીની તપાસની પદ્ધતિઓને લઈને હાઇકોર્ટ દ્વારા તેને ઘણા પ્રસંગોએ તેને સેન્સર કરવામાં આવી હતી. એક પ્રસંગે બોમ્બે હાઇકોર્ટે ઇડીને જણાવ્યું હતું કે રાઇટ ટુ સ્લીપ મૂળભૂત માનવ જરુરિયાત છે અને તે અડધી રાત્રે નિવેદનો નોંધીને તેનો ભંગ કરી ન શકે.
એક અલગ કેસમાં બોમ્બે હાઇકોર્ટે ઇડીને નાગરિકોને હેરાન કરવા સામે અને કાયદો તેના હાથમાં લેવા બદલ ચેતવણી આપી હતી. નવેમ્બર ૨૦૨૪માં પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે ઇડીની તપાસ ભૂલભરેલી અને અનપ્રોફેશનલ ગણાવી હતી અને ઇડીના ડિરેક્ટરને આ અંગેની ભૂલોનેો સમજાવવા જણાવ્યું હતું. ટ્રાયલ કોર્ટો પણ ઇડીની તપાસને લઈને નારાજગી દર્શાવે છે. ટ્રાયલ કોર્ટે એક કેસમાં જણાવ્યું હતું કે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ ૨૦૦૨ની જોગવાઈ હેઠળ કોઈપણ પ્રકારના પુરાવા સાથે કેસ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. કોર્ટનું કહેવું હતું કે ઇડી દહેજ વિરોધી ધારાનો જે રીતે હેરાન કરવા માટે ઉપયોગ થાય છે હવે તેવું પીએમએલએના કાયદામાં જ લાગી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500