ઉચ્છલનાં સુંદરપુર ગામે યુવકે તમે મારા લગ્ન બાબતે કેમ ધ્યાન આપતાં નથી કહી પિતા સાથે માથાકૂટ કરી હતી. દરમિયાન આરોપી પુત્રએ પિતાના માથામાં લોખંડનો સળિયો મારી દેતાં પિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં સુદરપુર ગામનાં હોલીપાડા ફળિયામાં શિવાજી ગોસાણા વસાવા (ઉ.વ.૭૩) પરિવાર સાથે રહેતાં હતાં. જોકે શિવાજીએ બે લગ્ન કર્યા હતાં અને તેમનાં પરિવારજનો એક જ ફળિયામાં રહેતાં આવ્યાં છે. તેમનો એક પુત્ર હરપાલ શિવાજી વસાવા (ઉ.વ.૩૦) કોઈ કામધંધો કરતો ન હોવાથી પિતા પુત્ર વચ્ચે ઘણી વખત બોલાચાલી થતી હતી. હરપાલનાં માતા ગત એક દોઢ માસ પહેલા ગુજરી ગયા છે.
હરપાલ વસાવા પોતાના પિતા શિવાજીને કહેતો કે તમે મારા લગ્ન બાબતે કેમ ધ્યાન આપતાં તો મારા મમ્મી પણ મારા લગ્ન જોઈને જતે. આ વખતે શિવાજીએ કહ્યું કે, લગ્ન પહેલાં કોઈ કામ ધંધો કર અને આપણા ખેતરમાં ડાંગરનાં પાકની કાપણી કરવાની છે એ કર પછી તારી વાત સાંભળીશ. આમ પિતાના મુખેથી આવા શબ્દો સાંભળી પુત્ર હરપાલ મનમાં અને મનમાં ધૂંધવાઈ ઉઠ્યો હતો. ગત સાતમીએ હરપાલ ઘરે જમવા આવ્યો ન હતો અને રાત્રે 12 કલાકના અરસામાં તે ઘરની આગળ આંટા ફેરા મારતો હતો.
આ વખતે તેની બંને બહેનો એ ધમકાવ્યો હતો કે, ‘તું કેમ આંટા ફેરા મારે છે તું પણ સુઈ જા અને અમને પણ સુવા દે’ પિતા સાથેની અદાવતને કારણે એ પછી થોડી જ વારમાં આરોપી હરપાલ હાથમાં લોખંડનો સળિયો લઈને આવ્યો હતો અને તેણે ઘરની આગળ ખાટલા પર સુતેલા પિતા શિવાજીનાં માથામાં સળિયા વડે એક જોરદાર ઘા મારી દઈ નાસી ગયો હતો. બનાવ બનતાં ઘરના અન્ય સભ્યો જાગી ગયાં હતા અને માથામાં ગંભીર ઈજા સાથે શિવાજીને સારવાર અર્થે ઉચ્છલની સરકારી હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે આરોપી હરપાલ વસાવાને તાપી એલ.સી.બી.એ ઝડપી પાડી તેની પાસેથી હત્યામાં વપરાયેલો સળિયો કબ્જો લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500