ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વલસાડ તાલુકાના વાંકલ પીએચસી હસ્તકના કોસમકુવા પેટા આરોગ્ય કેન્દ્ર (આયુષ્યમાન આરોગ્ય મંદિર)ને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ એક્રિડીટેશનનું રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જે બદલ રાષ્ટ્રીય સ્તરે વલસાડ જિલ્લાને ગૌરવ પ્રદાન થયું છે. ગત જાન્યુઆરી માસ દરમિયાન રાષ્ટ્રીય સ્તરની ટીમ વિવિધ માપદંડોના મૂલ્યાંકન માટે વલસાડ આવી હતી.
જેમાં વલસાડ તાલુકાના કોસમકુવા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં વિવિધ સર્વિસ પેકેજ જેવા કે, સગર્ભા માતાની પ્રસુતિ, પ્રસુતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને ૧ વર્ષથી નાના બાળકના આરોગ્યની સંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીઓને લગતી પુરતી આરોગ્ય સેવા, કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ તેમજ તેને સંલગ્ન આરોગ્ય સેવાઓ, સામાન્ય બિમારીઓના ઉપચાર, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું સઘન સંચાલન જેમાં સંચારી રોગચાળા સંબંધિત પ્રોગ્રામ અમલીકરણ, ડાયાબીટીસ, હાયપર ટેન્શન, કેન્સર જેવા નોન કોમ્યુનિકેબલ રોગોનું નિદાન અને સારવાર, આંખ, કાન, નાક તથા ગળાને લગતી બિમારી અને રોગોનું સ્ક્રીનીંગ નિદાન તેમજ સારવાર, દાંતના આરોગ્યને સંબંધિત સેવાઓ, માનસિક આરોગ્યને લગતી બિમારીઓનું નિદાન તેમજ સારવાર, વધુ વય ધરાવતા વ્યકિતઓ માટે ઉંમર સંલગ્ન સારવાર તેમજ ઈમરજન્સી સેવાઓ સાથે સાથે કાર્યક્રમો તથા જનરલ એડમિનિસ્ટ્રેશન, ફાઈનાન્સને લગતી વિવિધ બાબતો તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓનું ચેકિંગ રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું.
તેમજ દર્દીને કેવી રીતે સારવાર આપવામાં આવે છે, દર્દીને સરકારી સેવાથી સંતોષ છે કે કેમ, અધિકારી અને કર્મચારીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, સરકારના નિયમ મુજબ રેકર્ડ ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી કર્યા બાદ વલસાડ તાલુકાના કોસમકુવા પેટા આરોગ્ય કેન્દ્રને ૯૨.૫૮ ટકા સાથે એન.ક્યુ.એ.એસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન બદલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ તેમજ સમગ્ર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કર્મીઓને અભિનંદન પાઠવ્યામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500