મુંબઈ યુનિવર્સિટીના દિવાળી સત્રની પરીક્ષામાં 54 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ક્યુઆર કોડને આધારે ઓનલાઈન હાજરી પૂરાવી હતી. ગત પરીક્ષામાં કેટલાંક વિદ્યાર્થીઓએ સીટ નંબર ખોટાં લખ્યાં હતાં તો કોઈનામાં બારકોડ ખોટાં લગાવાઈ ગયા હતાં. આથી આ ભૂલો ટાળવા માટે આ વર્ષે ક્યુઆર કોડનો પર્યાય શોધી લવાયો છે. યુનિવર્સિટીએ આ દિવાળી સત્રથી વિદ્યાર્થીઓના સીટ નંબર, બારકોડ તેમજ અન્ય માહિતી ધરાવતી એક PDF ફાઈલ પ્રત્યેક પરીક્ષા કેન્દ્રને મોકલી આપી છે. આ ફાઈલ પરીક્ષા કેન્દ્રએ ડાઉનલોડ કરી તે યુનિવર્સિટીએ આપેલ સ્ટિકર પર પ્રિન્ટ કરી વિદ્યાર્થીઓની આન્સરશીટ પર ચિટકાવવામાં આવી.
તેના પર ક્યુઆર કોડ હોવાથી વિદ્યાર્થીઓની તમામ માહિતી યુનિવર્સિટીને મળશે અને રીઝલ્ટ રખડવાના લોચા નહીં પડે, એવી આશા યુનિવર્સિટીના અધિકારીઓએ વ્યક્ત કરી છે. દરમ્યાન આ ક્યુઆર કોડથી ઓનલાઈન હાજરી સિસ્ટમ પણ શરૂ થઈ છે. પરીક્ષા કેન્દ્ર, વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ, વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ બધું જ પ્રોગ્રામમાં ઓનલાઈન નોંધાયું. આથી ગેરહાજર વિદ્યાર્થીઓની માહિતી પણ પોલીસને તુરંત મળી ગઈ. તેમજ પહેલાં જ દિવસે યુનિવર્સિટીમાં સાત કોપી કેસ પકડાયા હતાં. દરમ્યાન, બે કૉલેજોએ કુલ 37 વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ યુનિવર્સિટીને પહોંચાડયા ન હોવાથી આ વિદ્યાર્થીઓને પહેલાં દિવસે પરીક્ષા આપવામાં તકલીફ થઈ હતી. જેને લીધે સંબંધિત બે કૉલેજો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય વિદ્યાપીઠ પ્રશાસને લીધો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500