સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા ધોરણ ૭ના વિદ્યાર્થીનું ડીંડોલી રેલવે ટ્રેક પાસે ટ્રેન અડફેટે રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું હતું. આ મોતને પગલે પરિવારમાં આક્રોશ જોવા મળ્યો હતો. જોકે હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ મુળ રાજસ્થાનમાં અજમેરના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં પીયુષ પોઈન્ટ પાસે રહેતા રાજેન્દ્ર શર્મા ઈલેક્ટ્રીક્શીયનું કામ કરી ત્રણ સંતાનો સહિતના પરીવારનું ગુજરાન ચલાવે છે.
દરમિયાન ત્રણ સંતાન પૈકી ૧૫ વર્ષિય હર્ષ સ્થાનિક વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ધોરણ-૭માં અભ્યાસ કરતો અને ગેરેજમાં શીખવા જતો હતો. દરમિયાન શુક્રવારે રાબેતા મુજબ બપોરે ઘરે આવ્યા બાદ હર્ષ ગેરેજ જવા નીકળ્યો હતો. જ્યાં પહોંચીને હર્ષે પિતાને ફોન કરી પહોંચી ગયાની જાણ કરી હતી. જે બાદ ડીંડોલી નજીક રેલવે ટ્રેક પાસે ટ્રેન અડફેટે રહસ્યમય સંજોગોમાં હર્ષનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે ડીંડોલી પોલીસ મૃતક હર્ષના મૃતદેહને લઈ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.
જ્યાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. વધુમાં મૃતકના પરીવાર દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મૃતક હર્ષનો થોડા દિવસ પહેલા શાળામાં સાથી વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો, જેથી સાથી વિદ્યાર્થીઓ શુક્રવારે હર્ષ ગેરેજમાં હતો ત્યાં આવ્યા અને તેને લઈ જતા રહ્યા હતા. આ સાથી વિદ્યાર્થી મિત્રોએ હર્ષને રેલવે ટ્રેક પાસે ટ્રેન આગળ ધક્કો માર્યો છે. આ આક્ષેપને પગલે પોલીસ તપાસ કરી રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500