ખેડાના કનેરા ગામ નજીક ગોડાઉનમાં દરોડો કરી સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે દરોડો કરી રૂ.૬૪ લાખનો દારૂ પકડયો હતો. આ કેસમાં ખેડા ટાઉન પોલીસ મથકના પીઆઈની ગંભીર બેદરકારી હોવાનું જણાવી રાજ્ય પોલીસ વડા દ્વારા પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. કનેરા ગામ નજીક પતરાના ગોડાઉનમાં ચાલી રહેલા દારૂના કટિંગ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો કરી રૂ.૬૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. એસએમસીએ એક સગીર સહિત ૮ શખ્સોની પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભાવનગર અને અમદાવાદ મોકલ્યો હોવાની કબૂલાત કરી હતી.
એસએમસીએ દારૂ સહિત રૂ.૧.૦૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં અન્ય ૮ આરોપીઓ હજૂ ફરાર છે. તેવામાં મંગળવારે મોડી રાત્રે રાજ્ય પોલીસ વડા દ્વારા ખેડા ટાઉન મથકના પોલીસ ઈન્સપેક્ટર એચ.વી.સિસારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, મતગણતરીના દિવસે થયેલા એસએમસીના દરોડામાં પી.આઈ. સિસારાની ગંભીર બેદરકારી સામે આવી હતી.
જોકે પી.આઈ.સિસારા કોઈપણ પ્રકારે ખોટી બાબતો ચલાવી લેતા ન હોવાથી જિલ્લાના પોલીસ અધિકારીઓમાં તેમની સામે નારાજગી હોવાનું અને તેવા સમયે તેમનો ભોગ લેવાયો હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે, એક મહિના પહેલા ખેડા ટાઉન પોલીસ મથકની હદમાં વેપારીના એક કરોડ રૂપિયાની તેના જ ભાગીદારે લૂંટ ચલાવી હોવાના મામલે પોલીસે આરોપીઓને પકડી કેસ સોલ્વ કર્યો હતો. આ કેસમાં પીઆઈ સિસારાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500