રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત પૂ.મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ તા. ૩૦ જાન્યુઆરીથી સ્પર્શ લેપ્રસી જન-જાગૃતિ અભિયાનની શરૂઆત “ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દુર કરીએ અને રક્તપિત-ગ્રસ્ત વ્યક્તિ વણશોધાયેલ ના રહે તે સુનિશ્ચિત કરીએ”ના સૂત્ર સાથે કરવામાં આવી હતી. આ અભિયાન તા. ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી ચાલશે. એન્ટી લેપ્રેસી ડે ની ઉજવણી આખા ભારતમાં દર વર્ષે કરવામાં આવે છે. વલસાડ જિલ્લામાં પણ આ દિવસની ઉજવણી ધામધૂમથી કરવામા આવી હતી જે અંતર્ગત જિલ્લાના સમગ્ર ગામો (ચૂંટણી આચારસંહિતા સિવાયના ગામો)માં ગ્રામ સભાનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યુ હતું.
જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગ્રામજનોને રક્તપિત રોગ વિશે સંપૂર્ણ જાણકારી તેમજ રક્તપિતના દર્દીઓને લોકોનો સાથ-સહકાર મળે જેથી રક્તપિત્તનાં દર્દીને શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક રીતે સહાયકરૂપ થાય તેવી ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લામાંથી રક્તપિત રોગ નાબૂદીના સંદેશનું વાંચન કરવામાં આવ્યુ હતું તેમજ સૌ સાથે મળી ‘‘આપણું ગુજરાત, રક્તપિત્ત મુક્ત ગુજરાત’’ બનાવવા માટે શપથ લીધી હતી. આ ગ્રામ સભાઓમાં ગામનાં સરપંચશ્રી, તાલુકા, જિલ્લાના મહાનુભાવશ્રી, ગામના અગ્રણી, સમાજસેવી, શિક્ષકગણ, તલાટીશ્રી તેમજ આરોગ્ય અધિકારીશ્રી/કર્મચારીશ્રી અને આશા બહેનો હાજર રહ્યા હતા.
આ સમગ્ર અભિયાન દરમ્યાન રક્તપિત રોગ નાબૂદ કરવા જુદા-જુદા માધ્યમો દ્વારા બહોળા પ્રચાર–પ્રસાર કરવામાં આવશે તેમજ સમાજમાં કોઇપણ દર્દી વણશોધાયેલ ના રહી જાય આ અભિગમ સાથે જિલ્લાનાં તમામ આરોગ્ય કર્મચારી, આશા બહેનો તેમજ સ્વયં-સેવી સંસ્થાઓ કામગીરી કરશે. બોક્સ મેટર જિલ્લામાં રક્તપિત્તના નવા ૩૫૫ દર્દી શોધવામાં સફળતા મળી વલસાડ જિલ્લા રક્તપિત અધિકારીશ્રીએ જણાવ્યું કે, એપ્રિલ-૨૦૨૪થી ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં રક્તપિતના નવા ૩૫૫ દર્દી શોધવામાં સફળતા મળી છે. જેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. આ રોગ નિયમિત એમડીટી સારવારથી સંપૂર્ણપણે મટી શકે છે. ચેપી પ્રકારના રક્તપિત્તમાં ૧૨ માસની અને બીનચેપી પ્રકારના રક્તપિત્તમાં ૬ માસની સારવાર જરૂરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500