સોનગઢના ખેરવાડા રેંજમાં રાત્રીના સમયે પેટ્રોલીંગમાં ફરતી વનવિભાગની ગાડી જોઈ 5 શિકારીઓ નાશી છુટ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જોકે વનવિભાગે એક બાઈક,હાથ બનાવટની એક દેશીબંદુક, છરા,સૂતળી બોમ્બનો સામાન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી શિકારીઓને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના ખેરવાડા રેંજમાં શિકારીઓ દ્વારા રાત્રીના સમયમાં જાનવરોના શિકાર કરાતો હોય,લાકડા ચોરી થતી હોય ખેરવાડા રેંજના મહિલા રેંજ ફોરેસ્ટર અશ્વિના પટેલ અને ફોરેસ્ટર પ્રવીણભાઈ ચૌધરી, મિતુલભાઈ ચૌધરી સહિત સ્ટાફના માણસો અગલ અગલ ટીમો બનાવી રાત્રીના પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન જંગલ માંથી પસાર થતા સિંગલવાણ થી આમલદી રોડ ઉપર બે મોટર સાયકલ પર સવાર આશરે 5 જેટલા ઈસમો શંકાસ્પદ જણાતા પીછો કરવામાં આવ્યો હતો, જોકે શિકારીઓ મોટર સાયકલ મૂકી નાશી છુટ્યા હતા. વનવિભાગે સ્થળ પર પહોચી તપાસ હાથ ધરતા મોટર સાયકલ નંબર જીજે/19/એલ/1139 અને હાથ બનાવટની એક દેશીબંદુક, છરા,સૂતળી બોમ્બનો સામાન સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
મહિલા રેંજ ફોરેસ્ટર અશ્વિના પટેલ ના જણાવ્યા અનુસાર, જંગલમાં ફરતા જંગલી ભૂંડ,સસલા તેમજ હરણ જેવા જાનવરોનો શિકાર કરતી ટોળકી હોય શકે છે, પકડાયેલા મોટર સાયકલના નંબરના આધારે શિકારીઓ કોણ હતા,ક્યાંથી આવ્યા હતા કેટલા સમયથી શિકાર કરતા હતા,ક્યા ગામના હતા,વિગેરે આગળની દિશામાં ઝીણવટભરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500