વ્યારાના માલીવાડ,જલારામ મંદિરની બાજુમાં રહેતો 32 વર્ષીય અભિનંદન રમેશભાઈ સોની પેપ્સીકો ની એજન્સીમાં ઓર્ડર લેવાનું કામ કરતો હતો. ગત રોજ સાંજે સાથે કામ કરતા ડોલવણ તાલુકાના ધોળકા ગામના અનેશ પરષોત્તમભાઇ ગામીત સાથે હીરો હોન્ડા પેશન પ્લસ બાઈક નંબર જીજે/26/જે/8180 પર ઉચ્છલ વિસ્તાર માંથી ઓર્ડર લઈને પરત થતાં હતા.
બાઈક અનેશ હંકારતો હતો, દરમિયાન રાત્રે 8:00 કલાકના અરસામાં સોનગઢ વ્યારા હાઇવે ઉપર સોનારપાડા ગામની સીમમાં પાછળથી પૂર ઝડપે આવતી મારુતિ સુઝુકી અર્ટિગા કાર નંબર જીજે/26/એન/1723 ના ચાલકે ગફલત ભરી રીતે કાર હંકારી લઈ આવી તેઓની બાઇકને ટક્કર મારી નાશી છુટ્યો હતો, જેને માંડલ ટોલનાકા પર ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ અકસ્માતમાં બાઈક સવાર બંને જણા જમીન પર પટકાતાં અનેશ ને પગના ઘૂંટણમાં ઇજા થઇ હતી અને અભિનંદનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં બંને જણાને ઈમરજન્સી સેવા 108 ની મદદથી સોનગઢ ખાતે સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અભિનંદન ને વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો જોકે ફરજ પરના તબીબે અભિનંદન ને મૃત જાહેર કર્યો હતો.
બનાવ અંગે અનેશ ગામીતે સોનગઢ પોલીસ મથકે અર્ટીગા કારના ચાલક સામે અકસ્માત મોતનાં ગુનાંની ફરિયાદ આપી હતી. જેમની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ સોનગઢ પોલીસ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500