શેરૂલાના જંગલ જમીનમાં ખેડાણ કરી બનાવવામાં આવેલ એક છાપરૂં હટાવવા જતા સોમયેલ વસાવા નામના શખ્સે મહિલા ફોરેસ્ટરના ગાલ પર પાચ થપ્પડ મારી તથા અન્ય મહિલા કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ઉકાઈ પોલીસ મથકે નોંધાઈ છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ આપતા મહિલા ફોરેસ્ટર કલ્યાણીબેન રાજુભાઈ ચૌધરીએ જણાવ્યું હ્તું કે, તા.5મી જુલાઈ નારોજ બપોરે આશરે અઢી વાગ્યાના સુમારે સાથેના બીટગાર્ડ અમૃતાબેન કેશીયાભાઈ પગી નો ફોન આવેલ અને જણાવેલ કે, અમો તથા બીટગાર્ડ વૈશાલીબેન પ્રતાપભાઈ ચૌધરી,નાઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શેરૂલા ગામથી લીંબી પીપળ ચોકડી વચ્ચે એક જગ્યાએ જંગલ વિસ્તારમાં નવું ખેડાણ કરેલ તેમજ છાપરૂં બનાવેલ હોવાનું જણાઈ આવતા ત્યાં હાજર ઈસમને આ બાબતે પૂછતા તે અમારી સાથે ગેરવર્તણુંક કરે છે. તેમ જાણવા મળતા મહિલા ફોરેસ્ટર કલ્યાણીબેન ચૌધરી સ્થળ પર પહોંચી જોતા એક ઇસમ બાઈક નંબર જીજે/26/આર/9161 ઉપર બેસી બીટગાર્ડ મહિલા કર્મચારીઓ સાથે બોલાચાલી કરતો નજરે પડ્યો હતો. બોલાચાલી કરતા ઇસમનું નામ પૂછતા સોમયેલભાઈ સુરેશભાઈ વસાવા રહે,મુનકીયા ગામ તા.સોનગઢ નાનો હોવાનું જણાવ્યું હતું.
જમીન ઉપર કબજો કરતા રોકવા વાળી તું કોણ ? તેમ કહી મહિલા ફોરેસ્ટરના ડાબા ગાલ ઉપર ચારથી પાંચ થપ્પડ મારી નીચે પાડી દીધી હતી. બે મહિલા બીટગાર્ડ સાથે પણ ઝપાઝપી કરી હતી
જંગલ જમીનમાં ગેરકાયદે રીતે કરવામાં આવેલ ખેડાણ અને બનાવવામાં આવેલું છાપરૂ દુર કરવા કહેવામાં આવતા સોમયેલ વસાવાએ ઉધ્ધતાઈથી વાત કરતા જણાવ્યું હતું કે, આ જમીન હું 10 વર્ષથી ખેડું છું, તમે આજે મને કેમ પૂછો છો ?? તેમ વાત કરતા મહિલા ફોરેસ્ટરએ સમજાવીને જણાવ્યું હતું કે, અત્યાર સુધી આ જગ્યાએ કોઈ ખેડ કરતું ન હતું તમોએ આ ગેરકાયદેસર જંગલ જમીનમાં ખેડાણ કરી છાપરૂ બનાવ્યું છે.તમારે આ છાપરૂં હટાવવું પડશે, તેમ જણાવતા સુમયેલ વસાવા એકદમ ઉશ્કેરાઈ જઈ જમીન ઉપર કબજો કરતા રોકવા વાળી તું કોણ ? તેમ કહી મહિલા ફોરેસ્ટરના ડાબા ગાલ ઉપર ચારથી પાંચ થપ્પડ મારી નીચે પાડી દીધી હતી. દરમિયાન મહિલા ફોરેસ્ટરને બચાવવા વચ્ચે પડેલી બે મહિલા બીટગાર્ડ સાથે પણ ઝપાઝપી કરી ધમકી આપી હતી કે, તમે ત્રણેય જણા પાછી મને રોકવા આવી તો ગામ વાળા પાસે પણ મરાવીશ અને તમને જાનથી મારી નાખીશ, આ બાજુ આવતી જ નહી, તેવી ધાક ધમકી ગાળો આપી હતી. દરમિયાન રોડ ઉપર આવતા જતા લોકોને મહિલા ફોરેસ્ટર અને બંને બીટગાર્ડ વિરુદ્ધ ઉશ્કેરતો હોય અને સોમયેલે પોતાની બાઈક ઉપર કુહાડી બાંધેલ હોય વધુ મારામારી કરી શકે તેવું લાગતા બાઈક ઉપરથી કુહાડી લઇ મહિલા ફોરેસ્ટર અને બંને મહિલા બીટગાર્ડ સ્થળ પરથી જતા રહ્યા હતા.
પોલીસે સોમયેલ વસાવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
સોમયેલ વસાવાના થપ્પડ મારવાના કારણે મહિલા ફોરેસ્ટર કલ્યાણીબેન ચૌધરીની ડાબી આંખ લાલ થઇ ધુંધળું દેખાવા અને આંખ માંથી સતત આંસુ વહેવા લાગેલ તેમજ આંખની બાજુમાં ઈજા પહોચતા તેઓએ ઉપરી અધિકારીઓને જાણ કરી સોનગઢની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા.બનાવ અંગે આજરોજ મહિલા ફોરેસ્ટર કલ્યાણીબેન ચૌધરીએ ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે સોમયેલ વસાવા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500