રાજ્યનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવને શિવસ્વરૂપનો શણગાર કરાયો. તેની સાથે આશ્રમમાં યજ્ઞ અનુષ્ઠાન કરતા ૠષિમૂનીઓની ઝાંખી રજૂ કરાઈ છે. મહત્ત્વનું છે કે, તો આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)એ કરી હતી.
આજે કરાયેલ શણગાર અંગે કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)એ જણાવ્યું હતું કે, પવિત્ર ધનુર્માસનો શનિવાર છે, જેથી શ્રીકષ્ટભંજનદેવને શિવસ્વરૂપનો શણગાર ધરાવાયો છે. સમગ્ર ધનુર્માસ નિમિતે દાદાને મંદિર પરિસરમાં આવેલ યજ્ઞ શાળામાં નિત્ય હોમ-હવન-યજ્ઞ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે. દાદાના વાઘા 3 દિવસની મહેનતે 4 હરિભક્તોએ તૈયાર કર્યા છે, તેમજ સિંહાસનને 6 હરિભક્તોએ 2 દિવસની મહેનતે આશ્રમ અને ઋષિમુનીઓની ઝાંખી તૈયાર કરવામાં આવી છે.
પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તારીખ 16 ડિસેમ્બર 2024થી 14 જાન્યુઆરી 2025 સુધી કરાયું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે 7થી 12 અને સાંજે 3થી 6 કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500