થોડા દિવસ પહેલા સુરતના ઉધના વિસ્તારમાં ભંગારના ગોડાઉન માલિક પર ફાયરિંગની એક ઘટના બની હતી. આ મામલે પોલીસે હવે સગીર સહિત કુલ બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે તપાસ મુજબ ભાવેશ ઉર્ફે લાલો રામુ મેરે નામના શખ્સે આરોપીઓને એક વકીલને મારી નાખવા માટે સોપારી આપી હતી અને રામુ મેરે જ આરોપીઓને પિસ્ટલ અને કારતૂસ પણ આપ્યા હતા.
આરોપીઓની બાઇક અને પોલીસની ગાડી વચ્ચે ટક્કર થઈ
ઉધનામાં ભંગારના ગોડાઉન માલિક જાવેદ પર બે બાઇક સવારે જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. જોકે આ ફાયરિંગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટના બાદ ઉધના પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓ સ્પોર્ટસ્ બાઇક પર આવ્યા હતા અને ભીમરાડ ચેક પોસ્ટ પાસે ઊભા હતા. આથી પોલીસ પણ ત્યાં પહોંચી હતી, પરંતુ પોલીસને જોઈ આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આરોપીઓની બાઇક અને પોલીસની ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. આરોપી નીચે પટકાતા પોલીસ ટીમે તેમને ઝડપી લીધા હતા. પોલીસે ફાયરિંગ કરનાર સંજય ઉર્ફે સંજુ રમેશ તિવારી અને એક બાળ કિશોર આ બંનેને 2 લોડેડ પિસ્ટલ તેમજ સાત કારતુસ સાથે ઝડપ્યા હતા.
અંગત અદાવતમાં કરી હતી ફાયરિંગ
આરોપીની પુછપરછમાં જાણવા મળ્યું કે, ભાવેશ ઉર્ફે લાલો રામુ મેરે નામના શખ્સે તેમણે પિસ્ટલ અને કારતૂસ આપ્યા હતા અને નવસારી ખાતે રહેતા એક વકીલને મારવા માટે સોપારી આપી હતી. સંજય તેમ જ બાળ કિશોરને પિસ્ટલ મળ્યા બાદ પોતાની અંગત અદાવતમાં જાવેદ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે ભાવેશ ઉર્ફે લાલો રામુ મેરની પણ ધરપકડ કરી છે. આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500