ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભાગી ગયા બાદ અરાજક્તામાં સપડાયેલા બાંગ્લાદેશમાં છ મહિના પછી પણ શાંતિ સ્થાપિત થઈ શકી નથી. ભારતમાં અજ્ઞાાત સ્થળે છૂપાયેલાં શેખ હસીનાએ ઓનલાઈન સંબોધન કર્યા પછી બાંગ્લાદેશમાં કટ્ટરવાદીઓએ બંગબંધુ સંગ્રહાલય તોડી પાડયા પછી શુક્રવારે શેખ હસીનાના પૈતૃક ઘર પર હુમલો કર્યો હતો અને અવામી લીગના નેતાઓના ઘર સળગાવી દીધા હતા. બીજીબાજુ દેશ વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ બે અભિનેત્રીઓ મેહર અફરોઝ શોન, સોહાના સબાની ધરપકડ કરાઈ છે. આવા સમયે બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે નર્કાગાર જેવી સ્થિતિ હોવાનું ભારતે સંસદમાં કબૂલ્યું છે. બાંગ્લાદેશમાં પોતાના શાસન વિરુદ્ધ થયેલા હિંસક આંદોલન પછી ભારત ભાગી આવેલાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ગુરુવારે અજ્ઞાાત સ્થળેથી અવામી લીગના કાર્યકરોને ઓનલાઈન સંબોધન કર્યું હતું. ત્યાર પછી કટ્ટરવાદી તત્વોએ શુક્રવારે અવામી લીગના નેતાઓના ઘરો પર તોડફોડ કરી હતી અને આગ લગાવી દીધી હતી. તેમણે શેખ હસીનાના ધાનમંડી કાતેના પૈતૃક ઘરને પણ નિશાન બનાવતા તોડફોડ કરી હતી.
કટ્ટરવાદી તત્વોએ ઢાકાના બનાનીમાં અવામી લીગના સભ્ય શેખ સલીમ, મહાસચિવ અને પૂર્વ માર્ગ, પરિવહન અને પુલ મંત્રી ઓબૈદુલ કાદરના નોઆખલીના કંપનીગંજના ઘર, બોરા રાજાપુર મોહલ્લામાં પૂર્વ મંત્રી કાદરના નાના ભાઈ અબ્દુલ કાદર મિર્ઝા, કંપનીગંજ અવામી લીગના અધ્યક્ષ અને બાસુરહાટ નગરપાલિકાના પૂર્વ મેયર શહાદત મિર્ઝાના ઘર પર તોડફોડ કરી હતી. અન્ય એક પૂર્વ રાજ્યમંત્રીના ઘરમાં આગ લગાવી દીધી હતી. અવામી લીગના નેતાઓના ઘરો પર થયેલી તોડફોડને યુનુસ સરકારે જનતાનો પ્રકોપ ગણાવી ઉતરતી કક્ષાનું નિવેદન આપ્યું હતું. બંગબંધુ સંગ્રહાલય તોડી પડાયા પછી યુનુસ સરકારે કહ્યું કે, શેખ મુજીબ-ઉર-રહેમાનના આવાસને તોડી પાડવું અનપેક્ષિત અને અસાધારણ હતું, પરંતુ ભારતમાં રહીને શેખ હસીનાએ ઉશ્કેરણીજનક નિવેદન કરતાં સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા અને તેમણે આ તોડફોડ કરી હતી.
દરમિયાન બાંગ્લાદેશમાં ફેલાયેલી અરાજક્તાનો ભોગ હવે કલાકારો પણ બની રહ્યાં છે. બાંગ્લાદેશમાં દેશ વિરુદ્ધ કાવતરું ઘડવાના આરોપમાં બે અભિનેત્રીઓ મેહર અફરોઝ શોન અને સોહાના સબાની ધરપકડ કરાઈ છે. ઢાકા મેટ્રોપોલિટન પોલીસના ડેપ્યુટી કમિશનર મુહમ્મદ વિલ્બર રહમાને આ બાબતની પુષ્ટી કરી છે. બીજીબાજુ બાંગ્લાદેશમાં ગયા વર્ષે હિંસક દેખાવો પછી હિન્દુઓ સહિત લઘુમતીઓ માટે હજુ સુધી સ્થિતિ સારી થઈ શકી નથી. હાલ બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે નર્કાગાર જેવી સ્થિતિ છે. છેલ્લા છ મહિના કરતાં વધુ સમયમાં કટ્ટરવાદીઓએ સેંકડો હિન્દુઓની હત્યા કરી છે અને ૧૫૨થી વધુ મંદિરો તોડી પાડયા છે. સરકારે વારંવાર બાંગ્લાદેશ સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે તેમ કેન્દ્ર સરકારે શુક્રવારે સંસદમાં જણાવ્યું હતું. છેલ્લા બે મહિનામાં હિન્દુઓ વિરુદ્ધ હિંસાની ૭૬ ઘટનાઓ સામે આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500