તાપી જિલ્લાના વ્યારા તાલુકાના મગરકુઈ ગામના ઉપલા ફળિયામાં રહેતા, પોસલાભાઈ લખમાભાઈ ગામીત (ઉ.વ.76) સંગીતના સાધનો રીપેર કરી અને પોસલાકાકાના હુલામણા નામથી લોકોમાં જાણીતા બન્યા છે. વ્યારા, માંડવી, ડાંગ, નવસારી વિગેરે દુર-દુરના સ્થળોએથી સંગીતના કલાકારો પોતાના સાજ રીપેર કરાવવા માટે આવે છે. માત્ર મોટા શહેરોમાં જ સાધન-સામગ્રી રીપેરીંગની દુકાન હોય છે. પરંતુ નાનકડા ગામમાં એક આદિવાસી કલાકાર આવા હુન્નરમાં માહિર હોય ત્યારે ખરેખર ગર્વ થાય.
પોસલાભાઈ માત્ર સંગીતના સાધનો રીપેરીંગ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પત્નિ સેવંતીબેન તેમને કામમાં મદદ કરે છે. કુટુંબમાં એક દિકરો અને દિકરી છે જે પૈકી થોડા સમય પહેલા દિકરો મૃત્યુ પમ્યો અને દિકરીને પરણાવી દીધી છે. આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા પોસલાકાકા સરદાર આવાસમાં રહે છે. એક નાનકડી ક્યારીમાં પોતાના ખપ પુરતું અનાજ પકવે છે. આરોગ્ય વિભાગ દ્વારા તેઓને માં કાર્ડ આપવામાં આવ્યો છે. જેનાથી તેમને આરોગ્ય સુરક્ષા મળી રહે છે.
કુદરતે આપેલી કલાઓ વિશે વાતો કરતા પોસલાકાકા કહે છે કે, હું નાનો હતો ત્યારે અમારા વડીલો સાથે ભજન મંડળોમાં જતો હતો. સંગીતના આ સાધનો બગડે ત્યારે તેને રીપેર કરાવવા જવુ પડે. હું સુથારીકામ કરતો હતો હતો. જેથી હારમોનિયમ જાતે જ ખોલીને રીપેર કરી લેતો તબલા, ઢોલકની પડી બદલવી કે શાહી-મસાલો ભરવો આ કામ પણ જાતે જ કરી લઉં છું. છેલ્લા 5૦ વર્ષથી હું આ વ્યવસાય કરી રહ્યો છું. આમ સંગીતના સાધનો રીપેર કરવાની કલા મને કુદરતે આપેલી બક્ષીસ છે. હું શાસ્ત્રિય રીતે નથી શીખ્યો છતા કલા પ્રત્યેના લગાવથી આજે હું લોકોમાં અદકેરૂ સ્થાન ધરાવું છું. જેનો મને આનંદ છે. સંગીતના સાધનોના રીપેરીંગ માટેનું રો-મટીરીયલ હું સુરતથી ખરીદું છું. હાલ આ કોરોના આવ્યો એટલે મારો ધંધો-રોજગાર બંધ છે છતા અમે મજૂરીકામ પણ કરી ગુજરાન ચલાવીએ છીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500