સુરતના સચીન સાંઈનાથ સુડા સેક્ટરમાં ગત તા.1લી ઓક્ટોમ્બરે ઝઘડામાં ઠપકો આપવા ગયેલા બે યુવકો પર પરપ્રાંતીય યુવકે ચપ્પુ વડે હુમલો કરતા એક યુવકનું મોત નીપજ્યું હતું. સચીન પોલીસે હત્યા કર્યા બાદ ફરાર થયેલા પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સચીનના સાંઈનાથ સુડા સેક્ટર-3 બિલ્ડીંગ નંબર-6,7 રૂમ નંબર-66માં ભાડેથી રહેતા નઝરૂદ્દિન અચ્છે શેખ અબ્બાસીની પત્ની શબનમ બેગમ પાસે સાંજે 7.30 વાગ્યે રૂમ નંબર-28માં રહેતા રમેશ છેદીલાલ રાયની 10 વર્ષીય પુત્રી પ્રિયાંશી તેના ભાઈ સાથે આવી હતી અને કહ્યું હતું કે, મારા ઘરે મામા રાકેશ રમેશ કુશવાહ (રહે.મન્દ્રોલી,શીવાન,બિહાર) આવ્યા છે, મને મોબાઈલ ફોન આપીને અમને રૂમની બહાર કાઢી મૂક્યા છે. આથી શબનમ બેગમે તેમને પપ્પાને વાત કરવા કહ્યું હતું. આથી રાજકુમારીના ઘરે અવારનવાર આવતો રાકેશ શબનમ બેગમ પાસે આવ્યો હતો અને પ્રિયાંશીને તેના પપ્પાને વાત કરવાનું કેમ કહ્યું તેવું પૂછી પેટમાં લાત મારી બે તમાચા માર્યા હતા.
ત્યારબાદ રાત્રે 8.45 કલાકે શબનમ બેગમના ઘરે રોજ સવાર-સાંજ જમવા આવતો તેમનો દિયર મૈસરઅલી (ઉ.વ.17) અને દેરાણી રસીદા જલાલુદ્દીનનો ભાઇ દિલબહાર (ઉ.વ.20) આવતા શબનમ બેગમે તેમને વાત કરતા બંને નીચે ઉભેલા રાકેશને ઝઘડા અંગે ઠપકો આપવા ગયા તો રાકેશે બંને ઉપર ચપ્પુ વડે હુમલો કરી દિલબહારને છાતી, કમર અને પીઠના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા, જયારે મૈસરઅલીને પણ છાતી, પેટના ઉપરના ભાગે તેમજ ડાબા હાથે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડતા દિલબહાર ઢળી પડયો હતો અને હુમલો કરી રાકેશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ બંનેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તબીબે દિલબહારને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા સચીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હત્યાનો ગુનો નોંધી હત્યા કરનાર રાકેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500