Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાઈબેરિયામાં ‘બટાગાઈકા’ નામની ક્રેટરમાંથી બાળ મેમથનાં અવશેષ મળી આવ્યા

  • December 26, 2024 

રશિયાના ઉત્તર-પૂર્વ ભાગમાં સાઈબેરિયા નામનો પ્રદેશ છે. આ બર્ફિલો પ્રદેશ હાડ થીજવતી ઠંડીને લીધે બાકીની દુનિયાથી આજ સુધી મહદાંશે અલિપ્ત રહી શક્યો છે. કોઈક જમાનામાં અહીં મેમથ (હાથીની એક વિશાળકાય પ્રજાતિ) વિચરતા હતા. સંશોધકોનો મતે, મેમથ 4000 વર્ષ અગાઉ લુપ્ત થઈ ગયા હતા. એકલા સાઈબેરિયામાં જ એમની વસ્તી લાખોમાં હતી, તેથી આ પ્રદેશમાં બરફ નીચે દબાઈને સચવાઈ રહેલા મેમથના અવશેષો છાશવારે મળતા રહે છે. તાજેતરમાં પણ ત્યાં મેમથના અવશેષ મળી આવ્યા છે. સાઈબેરિયામાં ‘બટાગાઈકા’ નામની ક્રેટર (ધરતીની સપાટી પર રચાયેલો મહદ્અંશે  ગોળાકાર વિશાળ ખાડો)માંથી બાળ મેમથના અવશેષ મળી આવ્યા છે.


મોટેભાગે કોઈ પ્રાણીના અવશેષ મળે તો એ ટુકડામાં વિભાજિત થયેલા જ હોય છે, પણ આ બાળ-મેમથનું તો અડધું ઉપરાંત શરીર જેમનું તેમ સચવાયેલું મળી આવ્યું છે. તેનું માથું, સૂંઢ, આગલા બે પગ અને લગભગ અડધું ધડ સારી રીતે સચવાયેલું છે. સંશોધકોએ તેને અત્યાર સુધીની સૌથી સારી રીતે સચવાયેલા મેમથ અશ્મિ ગણાવ્યા છે. આ બાળ મેમથ 47 ઈંચ ઊંચું છે. એનું અંદાજિત વજન 220 પાઉન્ડ છે. તે 50,000 વર્ષથી વધુ જૂનું હોવાનો અંદાજ લગાવાયો છે. પ્રાથમિક પરીક્ષણને આધારે સંશોધકોનું એવું કહેવું છે કે આ મેમથનું મૃત્યુ થયું ત્યારે તે એકાદ વર્ષનું જ હશે.


તેના પર પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. એ પછી એની વયનો અને એ કેટલા હજાર વર્ષ અગાઉ મૃત્યુ પામ્યું હતું, એ જાણી શકાશે. આ બાળ મેમથને ‘યાના’ નામ અપાયું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાના પ્રત્યેક ખૂણામાં જામેલો બરફ પીગળવા લાગ્યો છે. સાઈબેરિયા પણ એમાંથી બાકાત નથી રહી શક્યું. બટાગાઈકા ક્રેટરમાંનું પરમાફ્રોસ્ટ (બરફનું સ્તર) પીગળતા ‘યાના’ બહાર નીકળી આવ્યું હતું. બટાગાઈકા ક્રેટર 80 મીટર (260 ફૂટ) કરતાં વધુ ઊંડી છે. હાથીના શરીરના અન્ય હિસ્સાની સરખામણીમાં તેની સૂંઢ થોડી નરમ હોય છે, તેથી તેનું અવસાન થાય ત્યારે જીવડાં અને પક્ષીઓ સૌથી પહેલા તેની સૂંઢ જ ખાઈ જતા હોય છે.


યાનાના કેસમાં એની સૂંઢ સલામત મળી આવી હોવાથી સંશોધકો અચરજ પામી ગયા છે. એ જ રીતે બાળ-મેમથનું સારી રીતે સચવાયેલું માથું પણ સંશોધકોને હેરત પમાડી રહ્યું છે. રશિયન પરમાફ્રોસ્ટમાંથી પ્રાણીઓના અવશેષો મળી આવવું કોઈ નવી વાત નથી. ગયા મહિને પણ સાઈબેરિયામાંથી સેબર-ટૂથ કેટ (એક પ્રકારની બિલાડી) ના બચ્ચાના અવશેષ મળી આવ્યા હતા, જે અંદાજે 32,000 વર્ષ જૂના છે. 2024 ની શરૂઆતમાં 44,000 વર્ષ જૂના વરુના અવશેષ પણ આ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. આ પ્રકારના જીવાવશેષોનો અભ્યાસ ઉત્ક્રાંતિની સમજ પાકી કરવામાં અને પૃથ્વીના સ્તરોની બનાવટ સમજવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતો હોય છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application