દિલ્હી NCRમાં કાળઝાળ ગરમી વચ્ચે શુક્રવારે અનેક વિસ્તારમાં વરસાદથી રાહત મળી હતી, જ્યારે ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવી પડી હતી. મળતી માહિતી પ્રમાણે, ખરાબ હવામાનને કારણે ડાયવર્ટ થનાર 11 વિમાનો માંથી રક્ષામંત્રી રાજનાથ સિંહના વિમાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, રાજધાની દિલ્હીમાં શુક્રવારે સાંજે વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદે દસ્તક આપી હતી.
ગુરૂગ્રામ અને નોઈડાના અનેક વિસ્તારોમાં વરસાદે વાતાવરણ પહેલેથી જ ખુશનુમા બનાવી દીધું હતું. વરસાદને કારણે તાપમાનમાં પણ તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં તાપમાન 45-46 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. જેના કારણે ગરમીની સાથે ભેજના વાતાવણથી લોકોનું જનજીવન મુશ્કેલ બન્યું છે. નોઈડામાં પણ શુક્રવારે સાંજે વરસાદ પડવાથી અનેક ભાગોમાં ગરમીથી લોકોને રાહત મળી છે. રાજધાનીમાં શુક્રવારની સવારે ભયંકર ગરમી હતી અને લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
જે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. હવામાન વિભાગે અગાઉથી વાદળછાયું આકાશ સાથે વીજળીના ચમકારાની સંભાવના વ્યક્ત કરી હતી. સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની ધારણા છે પરંતુ મોડી સાંજે વરસાદના કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500