આસોની નવરાત્રી શરૂ થતાં જ માર્કેટમાં શાકભાજી તથા ફળોના ભાવમાં ઉછાળ આવ્યો છે. છેલ્લાં એક અઠવાડિયાથી શાકભાજીની કિંમતોમાં 20 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. સૌથી વધુ તેજી સફરજન, કેળા, દાડમ, બદામ, મખાના અને કિસમીસના ભાવમાં જોવા મળી છે. ત્યારે નવરાત્રી શરૂ થતાંની સાથે શાકભાજી તથા ફળોના ભાવમાં હજી વધારો થવાની શક્યતા છે. નવરાત્રી નજીક આવતાં લોકોએ નવરાત્રી સંબંધિત સામગ્રીઓની ખરીદીઓ પણ શરુ કરતાં માર્કેટમાં તેજી જોવા મળી હતી.
નવરાત્રીમાં માતાજીને પ્રસાદમાં સૂકામેવા અને ફળ ધરાવવામાં આવતાં હોય છે. વળી શ્રાદ્ધ પૂરાં થતાં સગપણ તથા શુકનવંતા કાર્યોની શરૂઆત થતી હોય છે. આથી તેની અસર પણ ફળો-શાકભાજી-સૂકામેવાની કિંમતો પર પડતી હોય છે. તહેવાર નજીક આવતાં ગોળ અને સાકરના ભાવમાં પણ વધારો થયો છે. ગોળનો ભાવ 40 થી 45 રૂપિયા કિલોએ પહોંચ્યો છે તો સાકર પણ 40 થી 42 રૂપિયા કિલોએ વેંચાઈ રહી છે. શીંગદાણાના ભાવમાં પણ 10 રૂપિયાનો વધારો થયો છે. સાબુદાણાના ભાવમાં પણ પાંચથી 10 રૂપિયાનો વધારો થયો છે તો રાજગરા અને શિંગોડાના લોટની કિંમતો પણ વધી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500