સુરત જીલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામની નજીક રોડની બાજુમાંથી સળગેલી હાલતમાં એક ક્રેટા કાર મળી આવી હતી અને તપાસ કરતા અંદર કાર ચાલકની બાજુમાં એક લાશ સંપૂર્ણ બાલી ગયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.
કારનો પાર્સિંગ નંબર જીજે/05/સીઆર/7729 હોવાનું સામે આવ્યું છે FSLની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી નમૂના લઈ તપાસ હાથ ધરી છે.
કાર નંબરના આધારે પોલીસે માલિકની ઓળખ કરી હતી. માલિકનું નામ વિશાલ લક્ષ્મણ ગજેરા (રહે.પુણા સીમાડા રોડ,સુરત) હોવાનું સામે આવતા પોલીસે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. જેમાં કાર ચાલકના નાના ભાઈ ધવલ ગજેરાએ પોલીસને જણાવ્યું હતું કે, તેનો ભાઈ વિશાલ મીની વરાછામાં કાચા હીરાના ખરીદ વેચાણનું કામ કરે છે.
વિશાલભાઈ ફાર્મ હાઉસ પર જાઉં છું અને રાત્રે ઘરે આવવાનો નથી એવું કહી ક્રેટા કાર લઈને નીકળી ગયો હતો. ત્યારબાદ બીજા દિવસે બપોરે ધવલે તેના ભાઈ સાથે વાલક પાટિયા નજીક અયોધ્યાપુરમ સોસાયટીમાં ઘરનું બાંધકામ ચાલી રહ્યું હોય તેના વિશે વાતચીત કરી હતી. પરંતુ તે દિવસે તેણે કામ માટે બહાર હોવાનું જણાવ્યું હતું અને રાત્રે ઘરે આવ્યો ન હતો.
આથી ધવલે અનેક વખત ફોન કરવા છતાં વિશાલભાઈ એ ફોન ઉપાડ્યો ન હતો અને સાંજે 5 વાગ્યે તેનો ફોન સ્વીચ ઓફ થઈ જતા ધવલે વિશાલની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઈ ભાળ ન મળતા ધવલે આખરે સુરતના સરથાણા પોલીસ મથકમાં ગુમ થયેલની ફરિયાદ નોંધાવી હતી.
ત્યારપછી તે ભાઈની શોધખોળ કરી રહ્યો હતો ત્યારે કામરેજ પોલીસ મથક પરથી તેના પર ફોન આવેલો કે કામરેજ તાલુકાના ઘલા ગામની સીમમાં ઘલા કરજણ રોડ પર ક્રેટા કાર નંબર જીજે/5/આરસી/7729 સંપૂર્ણ સળગેલી હાલતમાં પડેલી છે અને ક્લીનર સીટ પર મૃતદેહ બળીને રાખ થઈ ગયેલ હાલતમાં મળી આવ્યો છે.
આ બનાવની જાણ થતાં જ ધવલ સ્થળ પર પહોંચ્યો હતો જેમાં કાર પોતાના ભાઈની જ હોવાની કબૂલાત કરી હતી. પરંતુ અંદર જે લાશ સંપૂર્ણ બળી ગઈ હોય ઓળખ થઈ શકી નથી. આગમાં આકસ્મિક રીતે આગ લાગી કે પછી કોઈએ આગ લગાવી તે અંગે પોલીસ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર બનાવ અંગે FSL રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડી શકશે કે કારમાં આગ લાગવાનું કારણ શું હતું. આ બનાવ અંગે પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500