નવસારી શહેરના લુન્સીકૂઈ વિસ્તારમાંથી રૂરલ પોલીસે રીઢા ચોરને ઝડપી પાડી મોબાઇલ ફોન અને રોકડ ચોરીના ૪ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, મોબાઇલ ચોરીને અંજામ આપનાર દિપ દેસાઈ નામનો વ્યક્તિ છે. જે લુન્સીકૂઈ વિસ્તારમાં ફરી રહ્યો છે.
જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી દીપ પ્રમોદભાઈ દેસાઈ (રહે.૧૦૩-અ, લીલાબા એપાર્ટમેન્ટ, વસંતવિહાર સોસાયટી. મૂળ રહે. અનાવિલ ફળિયું, ઉગતગામ, નવસારી)ને ઝડપી પાડી તેની પાસેથી એક્સેસ મોપેડ અને પાંચ મોબાઇલ ફોન મળી રૂ.૧.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દીપ દેસાઈ પાસેથી મળી આવેલી એક્સેસ મોપેડ પણ ચોરીના પૈસાથી ખરીદી હોવાનું બહાર આવ્યું છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જમાલપોરના ઓલવિયા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક્ટિવાની ડીકી ખોલી તેમાંથી રોકડા રૂ. ૧.૧૦ લાખની ચોરી કરી હતી.
આ ઉપરાંત ઇટાળવા સ્વામિનારાયણ સ્કૂલ પાસે ધો.૧૨ની બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીના મોપોડની ડીકી ખોલી મોબાઈલ સાથેની બેગની ચોરી કરી હતી. આ ઉપરાંત તેને જમાલપોરના કપડાના શો રૂમ પાસે પાર્ક કરેલી મોપડની ડીકીમાંથી મોબાઈલ ફોનની ચોરી કરી હોવાની કબૂલાત કરતા ચોરીના ૪ ગુનાનો ભેદ ઉકેલાયો હતો. બનાવ અંગે વધુ તપાસ નવસારી પોલીસે હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500