સુરતના અલગ-અલગ બે વિસ્તારમાં જેમાં ઉધના અને વરીયાવ રોડની સોસાયટીના ઘરમાંથી દાગીના-રોકડ મળી કુલ રૂપિયા 3.68 લાખની ચોરી થઈ જવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઉધનાનાં ગાંધીકુટીર સોસાયટી મકાન નંબર-468માં પરિવાર સાથે રહેતા ભગવાનભાઈ માધુભાઈ પાટીલ લુમ્સના ખાતામાં નોકરી કરે છે અને દશ દિવસ અગાઉ વતનમાં પિતાનું અવસાન થતા સમગ્ર પરિવાર વતન ગયો હતો. તે દરમિયાન ગત તા.30 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ ઘરના લોખંડ અને લાકડાના દરવાજાના નકુચાને તોડી પ્રવેશી રૂમમાં મુકેલા લોખંડના કબાટ અને અંદરની તિજોરીને તોડી તેમાંથી રોકડા રૂપિયા 25 હજાર, સોનાના દાગીના અને ચાંદીની લક્ષ્મી માતાની મૂર્તિ મળી કુલ રૂપિયા 1,94,315/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ભગવાનભાઈને પાડોશીએ જાણ કરતા તેમના પુત્ર શુભમે સુરત આવી ઉધના પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જયારે બીજા બનાવામાં વરીયાવ રોડ રોઝ ગાર્ડનની બાજુમાં આશિષ રો-હાઉસના મકાન નંબર-બી/77માં રહેતા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નિવૃત ડેપ્યુટી બેન્ક મેનેજર કિશોરકુમાર હરગોવિંદદાસ રાયચા (ઉ.વ.65) ને ત્યાં બની હતી. કિશોરકુમાર પત્ની ભાવનાબેન સાથે અમદાવાદ રહેતી પુત્રી દિપાલીનું પિત્તાશયનું ઓપરેશન હોય તેના ઘરે ગત તા.27 સપ્ટેમ્બરના રોજ ગયા હતા. તે દરમિયાન ગતરોજ સવારે પાડોશી ધર્મિષ્ઠાબેને ફોન કરી પૂછ્યું હતું કે, તમે આવી ગયા છો, ઘરનો દરવાજો ખુલ્લો છે. આથી કિશોરકુમારે તેમને તપાસ કરવા કહેતા ધર્મિષ્ઠાબેને તપાસ કરી તો મુખ્ય દરવાજાના તાળાનો નકુચો તૂટેલો હતો અને અંદર સામાન વેરવિખેર હતો. આથી કિશોરભાઈ સુરત દોડી આવ્યા હતા અને ઘરમાં તપાસ કરી તો રોકડા રૂપિયા 11 હજાર અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1.74 લાખની ચોરી થઈ હતી. તેમના ઘરે ચોરી કરનારે સોસાયટીમાં બી/67માં રહેતા જયેશભાઈ જયંતીલાલ પસ્તાગીયાના ઘરના પણ તાળા તોડયા હતા પણ ત્યાં કંઈ હાથ લાગ્યું નહોતું. બનાવ અંગે કિશોરકુમારે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500