બારડોલીનાં બામણી ગામમાં રહેતી પરિણીતા પાસે દહેજમાં સોનુ માંગી શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતા પતિ, સાસુ, દિયર અને ભત્રીજા વિરુદ્ધ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાના બામણી ગામે પટેલ ફળીયામાં રહેતા વિનોદ નારણ પટેલના લગ્ન સુરતના મોટા વરાછાની રાજહંસ ટાવરમાં રહેતા જયસુખ મોણપરાની પુત્રી મનીષા સાથે ઓગષ્ટ-૨૦૨૧નાં વર્ષમાં થયા હતા. આ લગ્ન પૂર્વે મનીષાના લગ્ન ૧૯૯૬નાં વર્ષમાં ગોંડલ ખાતે થયા હતા. જે લગ્નમાં વિચ્છેદ થતા ૨૦૧૭માં ૨ સંતાનો સાથે તેણીએ છુટાછેડા લીધા હતા.
બામણી ગામે આવેલા મોમાઈ માતાના મંદિરમા અવારનવાર દર્શન કરવા જતા તેની ઓળખાણ બામણીના વિનોદ પટેલ સાથે થઈ હતી. વાતચિતો દરમિયાન વિનોદના પણ છૂટાછેડા થયા હોવાનું જાણવા મળ્યુ હતું. વાતચીતોનો દોર પ્રેમમાં પલટાતા તેમણે બારડોલીનાં રાધાકૃષ્ણ મંદિરમં લગ્ન ગંથીની જોડાઈ લગ્ન રજિસ્ટ્રર કરાવ્યા હતા. લગ્નના છ મહિના બાદ વિનોદ દારૂ પીને મનીષા સાથે લડાઈ ઝઘડો કરતો હતો. તેનો દિયર ભૂપેન્દ્ર પટેલ અમેરિકાથી આવ્યો હતો. તેણે પણ મનીષાને છુટાછેડા આપવા જણાવી તે બધી પ્રોપર્ટી હડપ કરી જશે એવી ચઢામણી વિનોદને કરી તેને ઉશ્કેર્યો હતો. વિનોદની માતા ભાનુ પટેલે ઘરમાં રહેવુ હોય તો સોનુ લઈ આવ એવી મંગણી કરી હતી. આ ઘટનામાં વિનોદનો ભત્રીજો પીનલ પટેલ પણ સાથ આપતો રહ્યો હતો. લગ્નના ૧ વર્ષ બાદ બંને ન્યુઝીલેન્ડ ગયા હતા.
૧ મહિના સુધી સારી રીતે હર્યાફર્યા બાદ મનીષાને તેના પતિ વિનોદના અમુક સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો હોવાનું જાણવા મળ્યું હતું. વિનોદે મનીષાને ઘરની બહાર કાઢી મુકી હતી. જોકે આખી રાત બહાર બેસી રહ્યા બાદ મનીષાએ ન્યુઝીલેન્ડમાં એક મોલમાં નોકરી શરૂ કરી હતી. ૪ મહિના બાદ તે ભારત પોતાના પિતાને ત્યાં પાછી ફરી હતી. મનીષાએ પોતાના પતિના ભારતમાં પણ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં મોટા વરાછાના રાજહંસ ટાવરમાં રહી મનીષા એક કંપનીનાં ઉત્પાદનો વહેચી પોતાનુ અને બે પુત્રીઓનુ ભરણ પોષણ કરી રહી છે. તેણે બારડોલી રૂરલ પોલીસ મથકે તેના પતિ વિનોદ પટેલ, સાસુ ભાનુ, દિયર ભૂપેન્દ્ર અને ભત્રીજો પીનલ વિરુદ્ધ દહેજ માંગણી અને શારીરિક ત્રાસ આપવાના ગુના હેઠળ ફરિયાદ આપતા બારડોલી રૂરલ પોલીસે વધુ કાર્યવાહી શરૂ કરી હોવાનુ જાણવા મળેલ હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500