કોરોના મહામારી સમયે પોતાની ફરજ ઉપર જીવ ગુમાવનાર કોરોના વોરિયર્સ પોલીસ કર્મીઓને શ્રધ્ધાંજલી આપવા આજરોજ વ્યારા ખાતે સાંસદ પરભુભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને પોલીસ સંભારણા (શહિદ) દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એ.એસ.આઇ પ્રતાપભાઇ દત્તુભાઇ પાડવી, એ.એસ.આઇ રાજેન્દ્ર કોટવાલ, એ.એસ.આઇ ગુણવંતભાઇ નોપરીયાભાઇ ગામીત અને ટી.આર.બીના જવાન ધર્મેશભાઇ પ્રતાપભાઇ ચૌધરીના પરિવારના સભ્યોને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શહીદ થયેલા પોલીસ કર્મીઓને શ્રધ્ધાંજલી પાઠવતા સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, દેશમાં આંતરિક શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં પોલીસની ભૂમિકા ખૂબ મહત્વની છે. કોરોના કાળમાં નાની મોટી આફત વેઠીને પોલીસ કર્મીઓ રાતદિવસ પોતાની ફરજ બજાવી જનતાની સેવા કરી છે તેમાં તેઓના પરિવારનો પણ ફાળો હોય છે. તેઓનું આ યોગદાન કયારેય ભુલાશે નહી.
જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાએ પોલીસની ફરજોને બિરદાવતા જણાવ્યું હતું કે, પોલીસની જવાબદારીઓ એટલી હોય છે કે કયારેક પોતાના ઘરના પ્રસંગો પણ માણી શકતા નથી. જયારે કોરોના મહામારી શરૂ થઇ ત્યારે પોલીસ કર્મીઓની જવાબદારીઓ ખુબ વધી ગઇ હતી. આ સમયે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર નાગરિકોની સલામતી માટે ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અભિનંદનને પાત્ર છે. જે પોલીસ જવાનોએ પોતાના જીવ ગુમાવ્યા તેઓને શ્રધ્ધાજંલિ અર્પણ કરવા આજે સમગ્ર દેશમાં પોલીસ સંભારણા (શહિદ) દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે તાપી જિલ્લાના આ ચાર જવાનો જેમને આપણી વચ્ચેથી વિદાય લીધી છે તોઓને વંદન કરીએ.
આ પ્રસંગે શહીદ જવાનોના પરીવારના સભ્યોને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે શાલ ઓઢાડી તથા તક્તી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સૌ મહાનુભવોએ શહીદ પોલીસ કર્મીઓનના તસ્વીરને પુષ્પ અર્પણ કરીને શ્રધ્ધાજંલિ અર્પણ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500