વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે છે. કાર્બી આંગલોંગના દિફુ ખાતે તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આ સુખદ સંયોગ છે કે, આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આપણે આ ધરતીના મહાન સપૂત લચિત બોરફુકાનની 400મી જન્મજયંતી પણ ઉજવી રહ્યા છીએ. તેમનું જીવન રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રશક્તિની પ્રેરણા છે. કાર્બી આંગલોંગથી દેશના આ મહાન નાયકને હું નમન કરૂં છું. પોતાના સંબોધન પહેલા તેમણે સુરક્ષા ઘેરો તોડીને ત્યાં ઉપસ્થિત લોકો અને બાળકો સાથે હાથ પણ મિલાવ્યો હતો. વડાપ્રધાને આગળ જણાવ્યું કે, ડબલ એન્જિનની સરકાર જ્યાં પણ હોય ત્યાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયત્ન આ ભાવનાથી કામ કરે છે. આજે કાર્બી આંગલોંગની આ ધરતી પર આ સંકલ્પ ફરી સશક્ત બન્યો છે.
આસામની સ્થાયી શાંતિ અને તેજ વિકાસ માટે જે સમજૂતીઓ થઈ હતી તેને જમીન પર ઉતારવાનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. આજે આસામમાં 2,600થી પણ વધારે અમૃત સરોવર બનાવવાનું કામ શરૂ થઈ રહ્યું છે. સરોવરોનું નિર્માણ સંપૂર્ણપણે જનભાગીદારી પર આધારિત છે. જનજાતીય સમાજમાં આવા સરોવરોની એક સમૃદ્ધ પરંપરા રહી છે. તેનાથી ગામોમાં પાણીના ભંડાર તો બનશે જ, સાથે-સાથે તે કમાણીના સ્ત્રોત પણ બનશે. વડાપ્રધાને જણાવ્યું કે, આસામની સ્થાયી શાંતિ અને તેજ વિકાસ માટે જે સમજૂતી થયેલી તેને જમીન પર ઉતારવા કામ ચાલી રહ્યું છે.
જે સાથીઓ હથિયાર છોડીને રાષ્ટ્ર નિર્માણ માટે પરત આવ્યા છે તેમના પુનર્વાસ માટે પણ ઘણી સારી કામગીરી થઈ રહી છે. આગળ કહ્યું કે, તમો સૌએ પાછલા દશકાઓ દરમિયાન લાંબા સમય સુધી અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. પરંતુ વર્ષ 2014 બાદ નોર્થ ઈસ્ટમાં મુશ્કેલીઓ સતત ઘટી રહી છે. લોકોનો વિકાસ થઈ રહ્યો છે. કાર્બી આંગલોંગ કે અન્ય જનજાતીય ક્ષેત્રોમાં અમે વિકાસ અને વિશ્વાસની નીતિ પર કામ કરી રહ્યા છીએ. આજે આખો દેશ જોઈ રહ્યો છે કે, પાછલા વર્ષોમાં હિંસા, અરાજકતા અને અવિશ્વાસની દશકાઓ જૂની સમસ્યાઓનું કઈ રીતે સમાધાન આવી રહ્યું છે. પહેલા જ્યારે આ ક્ષેત્રની ચર્ચા થતી ત્યારે કદીક બોમ્બ તો કદીક ગોળીનો અવાજ સંભળાતો હતો. પરંતુ આજે તાળીઓ ગૂંજી રહી છે. નોર્થ ઈસ્ટમાં સરકાર અને સમાજના સામુહિક પ્રયત્નોથી જેમ જેમ શાંતિ પ્રવર્તી રહી છે તેમ તેમ જૂના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા 8 વર્ષો દરમિયાન સ્થાયી શાંતિ અને વધુ સારી કાયદા વ્યવસ્થા લાગુ થવાના કારણે અમે નોર્થ ઈસ્ટના અનેક ક્ષેત્રોમાંથી AFSPA હટાવી દીધો છે. વડાપ્રધાને જણાવ્યું કે, બોડો અકોર્ડ હોય કે પછી કાર્બી આંગલોંગની સમજૂતી, લોકલ સેલ્ફ ગવર્નન્સ પર અમે ખૂબ ભાર આપ્યો છે. છેલ્લા 7-8 વર્ષથી કેન્દ્ર સરકારનો એ નિરંતર પ્રયત્ન રહ્યો છે કે, સ્થાનિક શાસનની સંસ્થાઓને સશક્ત કરવામાં આવે. વધુ પારદર્શી બનાવવામાં આવે. રાષ્ટ્રના વિકાસ માટે રાજ્યનો વિકાસ અને રાજ્યના વિકાસ માટે નગરોનો, ગામનો વિકાસ ખૂબ જ જરૂરી છે. ગામનો યોગ્ય વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે સ્થાનિક જરૂરિયાતો માટે સ્થાનિક પરિસ્થિતિઓ પ્રમાણે વિકાસ યોજનાઓ બને અને તેના પર યોગ્ય અમલ થાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500