સુરતના રિંગરોડ સાગર બિલ્ડિંગમાં અરહિંત આવાસમાં ધંધો કરતા વેપારી પાસેથી કુલ રૂપિયા ૧૪.૫૭ લાખનો કાપડનો માલ ખરીદ્યા બાદ ઓરીસ્સાના કાપડ વેપારીએ પેમેન્ટ નહી ચુકવી ઉઘરાણી કરતા જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકાન બંધ કરી ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર વેપારીએ આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ઓરિસ્સાના વેપારી સામે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે, સારોલી વિસ્તારમાં આવેલ મોર્ડન ટાઉન રેસિડેન્સીમાં રહેતા ૨૪ વર્ષિય શિવશંકર મોતીલાલ દાગા રીંગરોડ પર આવેલ સાગર બિલ્ડિંગમાં અરિહંત આવાસ ખાતે કરની ફેબીકોમ ઍલ.ઍલ.પી નામની પેઢી ધરાવે છે. ત્રણ વર્ષ અગાઉ શિવશંકર સંતોષ પન્નાલાલ બાંઠીયા (રહે.બાંઠીયા નિવાસ બાખરાબાદ કટક સદર ચાંદની ચોક,ઓરીસ્સા)ના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ સંતોષે અલગ અલગ સમયે કાપડનો માલ મંગાવી સમયસર પૈસા ચૂકવી વિશ્વાસ સંપાદન કર્યો હતો.જોકે ત્યારબાદ તારીખ ૯/૯/૨૦૧૯ થી તારીખ ૩/૧/૨૦૨૦ના સમયગાળા દરમિયાન રૂપિયા ૧૪.૫૭ લાખનો માલ મંગાવી સમયસર પૈસા આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ સમય નિકળી ગયા બાદ પણ પૈસા નથી આપતા આખરે શિવશંકરએ પેમેન્ટ માટે ફોન કર્યો હતો. આરોપીએ પૈસા નહીં આપવાનું કહી એલફેલ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ઓરિસ્સા ખાતેની દુકાન પણ બંધ કરી પલાયન થઇ ગયો હતો. જેથી આખરે ભોગ બનનાર શિવશંકરે ગતરોજ સલાબતપુરા પોલીસ મથકના પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application