તાપી જિલ્લામાં આયુષ્માન ભારત પ્રોગ્રામ અંતર્ગત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે. આ સેન્ટરો ઉપર કામગીરી અને તેનું રીપોર્ટીંગ સુવ્યવસ્થિત રીતે થાય તે માટે ગ્રામકક્ષાએ નવા કોમ્યુનીટી હેલ્થ ઓફિસર (સી.એચ.ઓ.)ની તાજેરતમાં નિમણુંક કરવામાં આવી હતી. જેમાંથી ગતરોજ 52 જેટલા નવા નિમણુંક પામેલા સી.એચ.ઓ.નો ઓરિએન્ટેશન વર્કશોપ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે સી.એસ.સીની કામગીરીના મહત્વ અંગે સમજ આપતા જણાવ્યું હતું કે, ગ્રામ્યકક્ષાએ તેઓ એક ડોક્ટર જેટલું જ મહત્વ ધરાવે છે. ઘરોની મુલાકાતથી લઇ ડેશ બોર્ડ ઉપર એન્ટ્રી સુધી કામગીરીનું મુલ્યાંકન થતુ હોય ત્યારે પોતાની ફરજમાં આવતી તમામ કામગીરી સુવ્યવસ્થિત રીતે પાર પાડવી જરૂરી છે. તેમણે પોતાના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં 100 ટકા વેક્શિનેશન થાય તે સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપી નવી નિમણુંક પામેલા કર્મચારીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી.
વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદ પટેલે પ્રસંગોપાત ઉદબોધન કરી સૌને એક ટીમ તરીકે કામગીરી કરી તાપી જિલ્લો રાજ્યના ડેશબોર્ડમાં હેંમેશા આગળ રહે તે મુજબ કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ વર્કશોપમાં સી.એચ.ઓને તેઓની કામગીરીના મુખ્ય 12 પાંસાઓ, ઇ-સંજીવની ટેલીમેડીસીન, જિલ્લાના સી.એચ.ઓ ડેશ બોર્ડ ઉપર એન્ટ્રી, ઓનલાઇન રીપોર્ટીંગ, વેક્સિનેશન, મમતા ડે, વાહક્જન્ય રોગો, અને ઘરોની મુલાકાત વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે પરસ્પર વિસ્તૃત ચર્ચા કરી જાણકારી આપવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500