સોનગઢ નગરના કપડાંના વેપારીને રૂપિયા ૧.૫૦ લાખની લોનની જરૂર હોય જેથી બે ભેજાબાજોએ લોન મંજુર કરી આપવાના નામે ઓનલાઈન રૂપિયા ૩૨,૩૦૦ લઈ સાયબર ફોડ કરતા પોલીસ મથકે વેપારીએ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢ પાલિકા બજારમાં વિકાસભાઈ પ્રભારકારભાઈ પાટીલ (ઉ.વ.૩૮, રહે.૩.બી-૬૪ સેક્ટર/૫, વર્કશોપ કોલોની ઉકાઈ, તા.સોનગઢ) કપડાની દુકાન ધરાવે છે. સને ૨૦૨૨ દરમિયાન એચડીબી બેન્કમાંથી લોન લીધી હતી. ત્યારે બેંકમાં મોબાઇલ નંબર આપ્યો હતો.
દરમિયાન ગત તારીખ ૧૬મી સપ્ટેમ્બર ૨૦૨૩ નારોજ નીતિન મકવાણા નામના શખ્સનો તેઓને ફોન આવ્યો હતો અને સુરત બજાજ ફાઈનાન્સમાંથી બોલું છું, કહી, તમારે કોઈ લોનની માંગણી છે? તેમ કહ્યું હતું. જેથી વેપારીએ રૂપિયા ૧,૫૦,૦૦૦/-ની જરૂર હોવાનું જણાવ્યું હતું. અને તે મંજુર થઈ જાય તો શરૂ એમ કહેતા નીતિન મકવાણાએ એક સ્ક્રીન શોર્ટ મોકલાવ્યો હતો. જેમાં રૂપિયા ૧,૭૫,૦૦૦/-ની લોન થશે તથા દર મહિને ૧૧ ટકા લેખે રૂપિયા ૫,૭૨૯/-નો હપ્તો આવશે. જેથી નીતિન મકવાણાના કહેવા મુજબ બેન્ક પાસબુક, આધારકાર્ડ, તથા પાનકાર્ડની નકલ મોકલી હતી. ત્યારબાદ ફાઈલ ચાર્જ તેમજ લોન પ્રોસેસિંગ સહિતના કામે કુલ રૂપિયા ૭૫૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા.
પરંતુ નીતિન મકવાણાએ લોન કરી ન હતી અને પૈસા માંગતા ગલ્લા ટલ્લા કરતો હતો અને ત્યારબાદ નીતિને જણાવેલ લોન પ્રોસેસ માટે ફાઈલ સાહીલ બધાણી પાસે મોકલી છે. તેને વાત કરો. એમ કહેતા વેપારીએ સાહિલને વાત કરતા, તેણે પણ લોન પ્રોસેસ નામે ટૂકડે ટૂકડે કુલ રૂપિયા ૨૪,૮૦૦ ટ્રાન્સફર કરાવી પડાવી લીધા હતા અને છેતરપિંડી કરી હતી. આમ, કુલ રૂપિયા ૩૨, ૩૦૦/-ની ઓનલાઇન છેતરપિંડી થતા જે અંગેની ફરિયાદ વેપારી વિકાસભાઈ પ્રભારકારભાઈ પાટીલે સોનગઢ પોલીસ મથકે નીતિન મકવાણા અને સાહીલ બધાણી નામનાં બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાયબર ફોડની ફરિયાદ આપતા પોલીસે આગળની વધુ કારવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500