ભરૂચના આમોદ તાલુકાનાં આછોદ ગામ નજીક રાત્રીના આઠ કલાકે બાઇક અને ઈકો ગાડી વચ્ચે ભયંકર અસ્માત સર્જાતાં બાઈક સવાર યુવકનું કરૂણ મોત થયુ હતું. જ્યારે બાઈક ચાલકને ઇજાઓ થતાં વધુ સારવાર માટે રિફર કરાયો હતો. બનાવ અંગે આમોદ પોલીસે અસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, આમોદમાં સાઉન્ડ સિસ્ટમની દુકાન ચલાવતા જેનીલ પટેલને સાઉન્ડ સિસ્ટમનો થોડો સામાન ઘટતો હતો જેથી માઇક અને વાયરો લેવા માટે મામાના દિકરા મિલન અક્ષયભાઈ પટેલ (રહે.દિનદયાળ, સોસાયટી પાલનપુર પાટીયા, સુરત તથા સમીરશા રફીકશા દિવાન (રહે.આમોદ ગુંદા ફળીયુ, તા.આમોદ જી-ભરૂચ)નાઓની સાથે તાલુકાના પાલડી ગામે બાઈક લઈને સામાન લેવા ગયા હતા.
ત્યારે રાત્રીના આઠ કલાકે આમોદ તાલુકાના આછોદ ગામ પાસે હનિક્ભાઈ માસ્તર (ચીથરા)ના પોલ્ટ્રી ફાર્મ નજીક ઈકો ગાડીના ચાલક ચંદુભાઈ મથુરભાઈ વસાવા (રહે.દેણવા ગામ, તા. આમોદ ના એ ગફ્લતભરી અને પૂરઝડપે ગાડી હંકારી લાવી મોટર બાઈક સાથે ગંભીર અકસ્માત કર્યો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક તેમજ પાછળ બેઠેલો યુવાન ઉપરથી નીચે પડી ગયા હતાં. જેમાં બાઈક ચાલકને કમરના ભાગે તથા માથાના પાછળના ભાગે ઈજાઓ થઈ હતી. જ્યારે મિલન અક્ષય પટેલને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો. તેમજ બંને ઈજાગ્રસ્ત યુવાનોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયાં હતાં. જ્યાં મિલન પટેલને હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્યારે સમીરશા રફીકશા દિવાનને વધુ સારવાર માટે જંબુસરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે આમોદ પોલીસે ઈકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500