આમોદ તાલુકાનાં નાહીયેર ગામ નજીક એક ખાનગી લકઝરી બસ અને રીક્ષા વચ્ચે ભયંકર અસ્માત થયો હતો. જોકે આ અકસ્માતમાં રીક્ષામાં સવાર મુસાફરો પૈકી રીક્ષા ચાલકનું કરૂણ મોત થયુ હતું. જ્યારે અન્ય પાંચ લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હતા. બનાવની જાણ થતાં જ આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, આમોદના નાહીયેર ગામ પાસે પેટ્રોલ પંપ નજીક સવારના નવ વાગ્યાના સમયે આછોદ ગામના અહેમદ મહંમદ પટેલ ગામના લોકોની ખાનગી વર્ધી લઈને મનુબર ગામે જતા હતાં ત્યારે એક ખાનગી લકઝરી બસ અને રીક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં રીક્ષા ચાલક અહેમદ મહંમદ પટેલ ઊર્ફે બામિયા (રહે.આછોદ)નું કરુણ મોત થયું હતું.
જ્યારે અન્ય પાંચ મુસાફરો અબ્દુલ મજીદ ગની, રુક્સાના અબ્દુલ મજીદ ગની, ખદીઝા ગની, ફરહાના નવગજા તેમજ મહંમદ નવગજા ઈજાગ્રસ્ત બનતાં તેઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતાં. બીજી તરફ ખાનગી લકઝરી બસ અકસ્માત સર્જી ગટરમાં પલ્ટી ખાઈ ગઈ હતી. લકઝરી બસ કોઈ કંપનીમાં જતી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા હતા.આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500